Thursday, 14 May 2015

વીજ ઉત્પાદનમાં ગુજરાત સરપ્લસ સ્ટેટ, 7 હજાર મેગા વોટ વિદ્યુત ઉત્પાદન

વીજળી ઉત્પાદિત રાજ્યોમાં ગુજરાતની ગણના કરી શકાય છે. રાજ્યને વીજ ઉત્પાદન ક્ષમતાની દ્રષ્ટીએ સરપ્લસ સ્ટેટ કહેવામાં આવે છે. રાજ્યમાં રાજ્ય સરકાર ઈલેક્ટ્રીસિટી કંપની લિમીટેડ હસ્તકના નવ વીજ ઉત્પાદન મથકો આવેલા છે જ્યારે સરકારી ક્ષેત્રના (આઈપીપી) સ્વતંત્ર વીજ ઉત્પાદન મથકો રાજ્યમાં છ જગ્યાઓ પર આવેલા છે. જે વીજ મથકોની ઉત્પાદન ક્ષમતા પણ સાત હજારથી વધુ મેગા વોટની છે.
 
રાજ્યના સર્વાંગી વિકાસ માટે તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ શક્તિઓને ધ્યાનમાં રાખી એક કેન્દ્રીત વિષયવસ્તુની કલ્પના કરી હતી. જેમાં જન શક્તિ, જળ શક્તિ, ઉર્જા શક્તિ, જ્ઞાન શક્તિ અને રક્ષા શક્તિની પરિકલ્પના કરવામાં આવી છે. આ પંચ તત્વોમાં ઉર્જા શક્તિના મહત્વને આધારભૂત બનાવવા રાજ્ય સરકારે પ્રયત્નો પણ કર્યા હતા. ગુજરાતના તમામ પરીવારોને વીજળીનો પૂરવઠો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તેમજ સુનિશ્ચિત કરેલ વીજ ઉત્પાદકતા કેળવાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે અને સતત કાર્યરત્ પણ છે. રાજ્યમાં વીજ વિતરણ પ્રણાલીને વિભાજિત કરવામાં આવી છે. યુજીવીસીએ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ તેમજ ટોરેન્ટો પાવર કંપનીઓ રાજ્યમાં વીજ વિતરણ કરે છે. વીજળીની બાબતમાં રાજ્ય સ્વ નિર્ભર હોવા છતાં ઉત્પાદિત વીજ મથકોને કેટલાક ટેક્નિકલી કારણોથી બંધ રાખવા ઉપરાંત કોલસાની તંગી તેમજ અપુરતા પૂરવઠાને કારણે રાજ્યને ખાનગી ક્ષેત્રના વીજ ઉત્પાદન મથકો પાસેથી વીજળી ખરીદવી પડે છે.

ગુજરાતમાં ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસિટી લિ. નવ વીજ મથકો વિદ્યુત ઉત્પાદિત કરે છે. આ વીજ મથકોમાં ઉકાઈ ખાતે  થર્મલ પાવર પ્લાન્ટ આવેલો છે જે પાવર પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 1350 મેગાવોટ છે. ગાંધીનગરમાં આવેલા થર્મલ પાવર પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા 31 ડિસેમ્બર 2014ની સ્થિતિ મુજબ 870 મેગાવોટ જોવા મળી છે. વણાકબોરીમાં આવેલા થર્મલ પાવર પ્લાન્ટની વીજ ઉત્પાદન ક્ષમતા રાજ્યના અન્ય પાવર પ્લાન્ટોની તુલનામાં સૌથી વધુ 1470 મેગાવોટ નોંધાઈ છે. આ ઉપરાંત કચ્છમાં લિગ્નાઈટ પાવર પ્લાન્ટ, ધુવારણમાં ગેસ પાવર પ્લાન્ટ, સિક્કામાં આવેલો થર્મલ પાવર પ્લાન્ટ, ઉકાઈ ડેમ પર તેમજ કડાણા અને પાનમ ડેમ પર આવેલ હાઈડ્રો પાવર પ્લાન્ટ વિદ્યુત ઉત્પાદનના મહત્વના વીજ મથકો ગણાય છે. આ તમામ નવ જેટલા પાવર પ્લાન્ટોની ઉત્પાદન ક્ષમતા 31 ડિસેમ્બર 2014ની સ્થિતિએ વાર્ષિક 5496 મેગા વોટ વીજળી ઉત્પાદિત થાય છે.

આ ઉપરાંત સરકારી ક્ષેત્રના સ્વતંત્ર વીજ ઉત્પાદન (આઈપીપી) મથકોમાં હજીરામાં આવેલી ગુજરાત સ્ટેટ એનર્જી જનરેશન કંપની લિ., ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિ.( સ્ટેજ-1,2 અને એસએલપીપી), ગુજરાત મીનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને પીપાવાવ સ્થિત જી.પી.પી.સી પાવર પ્રોજેક્ટમાં આ છ સરકારી ક્ષેત્રના વીજ મથકોની ઉત્પાદન ક્ષમતા વર્ષ 2013માં 1567 મેગાવોટ હતી જે વધીને 2014ના વર્ષ દરમ્યાન  2269 મેગાવોટ નોંધાઈ છે. આ રીતે સરકારી ક્ષેત્રના વીજ મથકોમાં પીપાવાવના જી.પી.પી.સી પાવર પ્રોજેક્ટની વીજ ઉત્પાદન ક્ષમતા વર્ષ 2013માં નહોતી તે 2014માં 702 મેગાવોટ નોંધાઈ છે.
રાજ્યમાં વીજળીની જરૂરીયાત વાર્ષિક 13હજારથી 14 હજાર મેગાવોટની છે તેની સામે રાજ્યના પોતાની માલિકીના વીજ ઉત્પાદન મથકોની ઉત્પાદિત ક્ષમતા 7765 મેગાવોટની હોવાથી બાકીની ઘટ પડતી વીજળી રાજ્યમાં આવેલા ખાનગી વીજ ઉત્પાદિત ગૃહો પાસેથી ખરીદવી પડે છે. રાજ્યમાં આવેલા ખાનગી વીજ ઉત્પાદિત મથકોની વીજ ઉત્પાદન ક્ષમતા 15000 મેગાવોટની છે. આ વીજ ઉત્પાદિત ગૃહો રાજ્ય સરકાર ઉપરાંત અન્ય સેક્ટરો અને રાજ્યોને વીજળી વેચે છે.

રાજ્ય સરકાર હસ્તકના પાવર ઉત્પાદન મથકો રાજ્યમાં વીજની માંગ પુરી કરી શકતા નથી. આ વીજ અછતની પુરતી માટે ખાનગી વીજ મથકો પર મદાર રાખવાનો થાય છે. આ વીજ ખરીદી અંગે રાજ્ય સરકારે કરેલા કરારો મુજબ એસ્સાર પાવર લિમીટેડ, એસ્સાર પાવર ગુજરાત લિમીટેડ, ચાઈના લાઈટ એન્ડ પાવર ઈન્ડીયા પ્રાઈવેટ લિમીટેડ, અદાણી પાવર લિમીટેડ, એ.સી.બી(ઈન્ડીયા) લિ, કોસ્ટલ ગુજરાત પાવર કંપની લિમીટેડ, કેપ્ટીવ પાવર પ્લાન્ટસ્ પાસેથી વીજળી ખરીદવામાં આવે છે.
 31મી ડિસેમ્બર 2014ની સ્થિતિએ રાજ્ય સરકાર સૌથી વધુ વિજળી અદાણી પાવર લિમીટેડ પાસેથી ખરીદે છે. જેના ભાવ 2.64/ યુનિટ છે. આ ભાવ ગત્ 2013ના વર્ષમાં 2.88 નિયત કરેલા હતા. આ રીતે ચાઈના લાઈટ એન્ડ પાવર ઈન્ડીયા પ્રાઈવેટ લિ. પાસેથી 4.40 રૂપીયા/યુનિટના મોઘા ભાવે વીજળી ખરીદવામાં આવે છે.

ગુજરાત દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ટોચના વીજ ઉત્પાદિત રાજ્યોમાં ગણાય છે. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ગુજરાત દેશમાં સૌથી વધું વિદ્યુત ઉત્પાદન કરતાં રાજ્યો છે. દેશમાં ખાનગી ક્ષેત્રની વીજ ઉત્પાદિત કંપનીઓ સૌથી વધુ વીજળી ગુજરાતમાં ઉત્પાદિત કરે છે. રાજ્ય સરકારની ઉદ્યોગવિષયક નીતિઓ અને રોકાણ પ્રોત્શાહિત સરકારી પોલિસીના કારણે ખાનગી ક્ષેત્રનો વ્યાપ રાજ્યમાં ઉતરોત્તર વધતો જાય છે. આ કારણે વર્ષો પહેલાં ગુજરાતમાં જે વીજ ખાદ્ય રહેતી હતી તે હવે વીજ સરપ્લસ સ્ટેટ બની ગયું છે.

Wednesday, 13 May 2015

સરકારી હેલિકોપ્ટર અને વિમાનના પાછળ કરોડો રુપિયાનું આંધણ

ઔદ્યોગિક, સામાજિક અને આર્થિક રીતે સમૃદ્ધ ગણાતા ગુજરાતમાં રાજ્ય સરકારની માલિકીના વિમાન અને હેલિકોપ્ટરના ઓપરેશન તથા મઇન્ટેનન્સ પાછળ બે વર્ષમાં રૂ.8.50 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું સરકારે કબુલ્યું છે.
રાજ્ય સરકારે 2014ની સ્થિતિએ બે વર્ષમાં સરકારી માલિકીના વિમાન અને હેલિકોપ્ટરના મેઇન્ટેનન્સ, પાઇલોટ અને અન્ય સ્ટાફ માટે ખર્ચ કર્યો છે જેમાં 2013માં ઓપરેશન પાછળ રૂ.1.71 કરોડ તેમજ મેઇન્ટેનન્સ માટે રૂ.26.81 લાખનો ખર્ચ કરાયો હતો. એટલો જ ખર્ચ 2014માં થયો હતો. આ જ રીતે હેલિકોપ્ટરના ઓપરેશન માટે 2013માં રૂ.1.77 કરોડ તેમજ મેઇન્ટેનન્સ માટે રૂ.59.22 લાખ મળી રૂ.2.36 કરોડ ખર્ચાયા હતા. આ જ પ્રમાણે 2014માં ખર્ચ થયો છે.
રાજ્યમાં છ સ્થળે હવાઇપટ્ટીઓ બનાવવાનું આયોજન ચાલી રહ્યું છે. જેમાં અંકલેશ્વર, પાલીતાણા, મોરબી, દહેજ, દ્વારકા અને અંબાજીનો સમાવેશ થાય છે. હાલમાં અંકલેશ્વર ખાતે બાઉન્ડ્રી વોલ, લેન્ડ લેવલિંગ કરવામાં આવી છે. પાલિતાણા ખાતે જમીન માપણી તેમજ ડિમાર્કેશન કરવામાં આવ્યું છે. મોરબી ખાતે જમીન તબદિલીની કામગીરી માટે ગાડા મારગ બાબત કાર્યવાહી હાથ ધરાઇ છે. દહેજ ખાતે જમીન તબદિલીની કામગીરી હાથ ધરાઇ છે. દ્વારકામાં જમીન માપણીનું કામ પ્રગતિમાં છે. અંબાજીમાં સરકારી જમીન શોધવાની પ્રક્રિયા ચાલુ છે.

Tuesday, 12 May 2015

ગુજરાતમાં ફૂડ પાર્ક સ્થાપવામાં મોળો પ્રતિસાદ, કરોડોની સહાય છતાં કોઈએ રસ ન દાખવ્યો


ગુજરાત સરકારે પાંચ વર્ષ પૂર્વે જાહેર કરેલી ઔદ્યોગિક નીતિમાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ફૂડ એગ્રો પાર્ક સ્થાપવા માટે જાહેર કરેલા પ્રોત્સાહનોને નબળો પ્રતિસાદ સાંપડ્યો છે. વિશેષ જોગવાઈ કરવા છતાં કોઈ સાહસિક આગળ આવ્યો નથી. 
ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે રાજ્યમાં માત્ર ઔદ્યોગિક જ નહીં, પરંતું કૃષિ ઉત્પાદન આધારિત એકમો પણ કાર્યરત થાય તેના માટે વિશેષ જોગવાઇ સાથેની નવી કૃષિ ઉદ્યોગ નીતિ 2000માં જાહેર કરી હતી. આ નીતિ મુજબ કોલ્ડ સ્ટોરેજ, કોલ્ડ ચેઇન, ફૂડ એગ્રો પાર્ક જેવા ક્ષેત્રોમાં રોકાણ કરવા ઇચ્છતા ખેડૂતો અને સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે યોજનાઓ જાહેર કરી હતી.પરંતુ ગુજરાત સરકારે પાંચ વર્ષ પૂર્વે જાહેર કરેલી ઔદ્યોગિક નીતિમાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ફૂડ એગ્રો પાર્ક સ્થાપવા માટે જાહેર કરેલા પ્રોત્સાહનોને નબળો પ્રતિસાદ સાંપડ્યો છે.
રાજ્યમાં સૂચિત ફૂડ પાર્ક ફળો અને શાકભાજી માટે સુરત, આણંદ, ખેડા અને પ્રાંતિજ તેમજ સ્પાઈસીઝ અને ઈસબગુલ માટે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જ્યારે મગફળી અને તલને લગતા ઉદ્યોગ માટે રાજકોટ, અમરેલી અને જૂનાગઢને સૂચિત કરવામાં આવ્યા હતા. આ માટે 4થી 5 લાખ ચો.મી. જમીનની પણ જોગવાઈ થવા પામી હતી.
રાજ્ય સરકાર દ્વારા મળતી વિગતો મુજબ ઓગષ્ટ, 2014ની સ્થિતિએ ફૂડ એગ્રો ઇન્ડસ્ટ્રિયલ પાર્ક માટે નાણાકીય સંસ્થાનો પાસેથી મેળવેલી કાર્યકારી મૂડી સિવાયના ધિરાણ ઉપર વાર્ષિક 6 ટકાના દરે 5 વર્ષ માટે વધુમાં વધુ રૂ.4 કરોડની મર્યાદામાં બેન્ક-એન્ડેડ વ્યાજ રાહત આપવાની જાહેરાત નવી કૃષિ ઉદ્યોગ નીતિ 2000માં કરાઇ હતી. જોકે, ફૂડ એગ્રો ઇન્ડસ્ટ્રિયલ પાર્ક માટે નાણાકીય સહાય મેળવવા હજુ સુધી કોઇ અરજી આવી નથી. તેથી કોઇ સહાય પણ ચૂકવવામાં આવી નથી. આ તમામ પ્રકારના ફૂડ પાર્ક પ્રોજેક્ટ માટે સરકાર 5225 કરોડના ખર્ચને અંદાજવામાં આવ્યો હતો.
કોલ્ડ સ્ટોરેજ, કોલ્ડ ચેઇન માટે પાંચ વર્ષમાં કુલ રૂ.117.14 કરોડની સહાય બે મહિલા ખેડૂતો સહિત કુલ 54 ખેડૂતોને આપવામાં આવી છે. રાજ્યમાં એગ્રો ઈન્ડસ્ટ્રીયલ પ્રવૃતિઓ કરવાની અને ફૂડ પાર્ક માટેની જાહેરાતો જેટલા મોટા ઉપાડે કરવામાં આવતી હોય છે. આ યોજનાઓનો ફિયાસ્કો એટલી જ તિવ્ર રીતે થતો હોય છે. હાલમાં પણ અમેઠીમાં ફૂડ પાર્કનો પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર દ્વારા રદ કરવાના મુદ્દે લોકસભામાં ભારે હંગામો થતાં કેન્દ્રિય ફૂડ પ્રોસેસિંગ પ્રધાન હરસિમરત કૌર બાદલ સહિતના સિનિયર કેન્દ્રિય પ્રધાનોનો સરકારના બચાવ માટે મેદાનમાં આવવું પડ્યું હતું. કેન્દ્ર સરકાર જ્યારે એક તરફ મેક ઈન્ડિયા કેમ્પેઈન ચલાવતી હોય અને વિદેશોમાં તેને પ્રમોટ કરવામાં આવી રહ્યું હોય ત્યારે, આ પ્રકારે મોળા પ્રતિસાદના કારણે, કોઈ ઉદ્યોગ શાહસિક આગળ ન આવતાં ફૂડ પાર્કની યોજનાઓ નિષ્ફળ થઈ રહી છે.
ભારત ખેતપેદાશો અને પશુપાલન વ્યવસાયમાં અવલંબિત દેશ છે. જે દેશમાં ખેતિ આધારીત પેદાશોનું ઉત્પાદન થતું હોય ત્યારે ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝને સરકારની પ્રોત્સાહક નીતિ અને ખેડૂતોને પ્રોત્સાહન આ પ્રકારના ઉદ્યોગને પરસ્પર સાંકળે છે. ખેતી ઉદ્યોગને પ્રોત્સાહિત કરવામાં આવે તો ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગનો વિકાસ થઈ શકે અને વડાપ્રધાનનું મેક ઈન ઈન્ડીયા કાર્યક્રમ સાકાર થઈ શકે.



Monday, 11 May 2015

નર્મદા યોજનાના ચાર રાજ્યો પાસે 5,426.24 કરોડના લેણાં બાકી, મામલો નર્મદા ટ્રીબ્યુનલમાં..


નર્મદા યોજનાના મુખ્ય બંધની ઊંચાઇ વધારવાથી ડુબમાં જતાં વિસ્તારોના વિસ્થાપિતોના પુનર્વસન માટે ભાગીદાર રાજ્યો વતીથી કરાયેલા ખર્ચની રકમ, વીજળી પેદા કરવા માટે ડેમની નજીક ત્રણ સરોવર બનાવાયા છે, તેનો ખર્ચ, બાકી રકમ અને બાકી રકમ પરનું  વ્યાજ એમ ત્રણ મુદ્દે વિવાદ છે. આ વિવાદમાં ગુજરાતની માગણી સામે ભાગીદાર રાજ્યો નર્મદા ટ્રિબ્યુનલમાં ગયા છે. આમ છતાં જે રકમના મુદ્દે વિવાદ નથી, તેની વસૂલાત માટે નર્મદા નિગમથી માંડીને છેક મુખ્યપ્રધાન સુધીના સ્તરેથી વખતો વખત રજૂઆત થતી રહે છે.
 જાન્યુઆરી, 2015ની સ્થિતિએ મધ્યપ્રદેશ પાસેથી રૂ.3,547.90 કરોડ, મહારાષ્ટ્ર પાસેથી રૂ.1,372.57 કરોડ અને રાજસ્થાન પાસેથી રૂ.505.77 કરોડની રકમ મળી કુલ રૂ.5,426.24 કરોડની રકમ બાકી છે. હાલની સ્થિતીએ આ રકમ વધુ થવા પામી છે.
અગાઉ વિધાનસભા ગૃહમાં મહારાષ્ટ્ર પાસેથી બાકી રકમ માટે કોંગ્રેસની સરકાર સાથે વાટાઘાટો કરવા ટકોર થઇ હતી, ત્યારે  તત્કાલિન મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ સાથે બેઠક કરી 273 કરોડની રકમ મેળવી આપી હતી. ત્યારે, હવે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે, તો શા માટે આવા પ્રયાસ થતાં નથી તેવા સવાલો ઉભા થયા છે.
બહુહેતુક નર્મદા યોજના રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવી હતી. જેમાં દરેક રાજ્યના હિતના ખ્યાલને નજર સમક્ષ રાખીને શરૂ કરવામાં આવેલ આ યોજનામાં હવે બાકીના રાજ્યો નાણાં આપવામાં ઠાગાઠૈયા કરી રહ્યા છે. પહેલાં ગુજરાત સરકાર વારંવાર એવી દલીલ કરતી હતી કે, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતૃત્વની સરકાર સહકાર આપતી ન હોવાથી આ નાણાં મળતાં નથી કે યોજનામાં વિલંબ થાય છે. જ્યારે હવે તો, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત તમામ રાજ્યોમાં ભાજપના નેતૃત્વની સરકાર છે.
 ભાજપના નેતૃત્વની સરકાર રાજકિય રીતે એક્તા સાધી શકે છે, પરંતું, આંતરિક સરકારી સંકલનમાં એકતા સાધી શકતી નથી. પરીણામે નાણાંકિય લેવડ દેવડના મુદ્દે નર્મદા ટ્રીબ્યૂનલમાં ધા નાખવી પડી છે. રાજસ્થાનને પુરતાં પ્રમાણમાં પાણી પૂરવઠો પુરો પાડવામાં આવે છે. જ્યાં વસુંધરા રાજેના નેતૃત્વમાં ભાજપની સરકાર કાર્યરત્ છે. આ રાજ્યમાં પૂર્વેની અશોક ગેહલોતની કોંગ્રેસ સરકાર પર ચૂંટણી વખતે નર્મદાના પાણી આપવાના મુદ્દે ખુબ માછલાં ધોવામાં આવ્યા હતા.
નર્મદા ટ્રીબ્યૂનલમાં આ મુદ્દાનો ઉકેલ આવશે કે કેમ અને આપવાની થતી રકમ રાજ્ય સરકારો ક્યારે ચુકવે છે તે હવે જોવું રહ્યું ? નર્મદા યોજનાનું કામ પણ હાલમાં ગોકળગતિએ ચાલી રહ્યું છે, જેમાં હવે ગુજરાતની સ્થાનિક સ્વરાજકિય ચૂંટણીઓને કારણે થોડો સળવળાટ થાય તેવી સંભાવના છે. ગુજરાત સરકાર હવે બધા રાજ્યોમાં ભાજપની સરકાર હોવાથી ચૂપ છે.

Sunday, 10 May 2015

વાઇબ્રન્ટ સમિટથી કેટલું રોકાણ ? આંકડા પોતે જ બોલે છે.

ગુજરાતમાં તેર વર્ષ પૂર્વે ફેબ્રુઆરી માસમાં સર્જાયેલા ગોધરાકાંડ અને એ પછી રાજ્યભરમાં ફાટી નીકળેલા કોમી તોફાનોથી વિશ્વવ્યાપી બદનામી થઇ હતી. આ બદનામીનો દાગ ધોવા માટે રાજ્ય સરકારે વેપાર અને ઉદ્યોગ જગતના મહાનુભાવોને ગુજરાતમાં આમંત્રી પોતે જ વિશ્વાસ તથા ભરોસાનો અહેસાસ કરી ફરીથી રોકાણો કરવા માટે આગળ આવે તેવા હેતુથી 2003થી શરૂ કરાયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની સાતમી શ્રેણી તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા યુએનના સેક્રેટરી જનરલ બેન કી મુનની ઉપસ્થિતિ વચ્ચે પૂર્ણ થઇ હતી. છેલ્લી સમિટમાં 21 હજાર સમજૂતી કરારથી 25 લાખ કરોડનું રોકાણ આવશે, તેવી જાહેરાત રાજ્ય સરકારે કરી હતી હતી. પરંતુ અત્યાર સુધીમાં યોજાયેલી છ સમિટમાં જાહેર થયેલા રોકાણોથી ખરેરખર ગુજરાતમાં કેટલું રોકાણ થયું છે તેના આંકડા બહાર આવ્યા છે.
અત્યાર સુધીના સમિટમાં રૂ.40 લાખ કરોડના સંભવિત રોકાણો ખરેખર તો એક લાખ કરોડનું જ રોકાણ ગુજરાતમાં થયું છે તેમ સત્તાવાર દસ્તાવેજમાં જણાવાયું છે. છેલ્લા પાંચ વર્ષમાં સમિટથી કયા ક્ષેત્રમાં કેટલું રોકાણ થયું છે તેના અંગે તૈયાર થયેલા દસ્તાવેજમાં જણાવાયું છે કે, 2008-09 થી 2012-13 સુધીના પાંચ વર્ષમાં ગુજરાતના 38 જેટલા સેક્ટર અને 17 જેટલા મિડિયમ સ્મોલ માઇક્રો સેક્ટરમાં આ રોકાણ આવ્યું છે જેમાં સૌથી વધારે ટેક્સટાઇલ સેક્ટરમાં રોકાણ આવ્યું છે. પાછલા પાંચ વર્ષમાં 38 સેક્ટરમાં જોઇએ તો રૂ.61,172 કરોડ અને એમએસએમઇ એન્ટરપ્રાઇઝમાં રૂ.48,749 કરોડનું રોકાણ થયું હતું.
પાછલા સમિટથી રાજ્યમાં રૂ.39,60,146 કરોડના સંભવિત રોકાણોની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તેની સામે અત્યાર સુધીમાં થયેલા રોકાણો અંગે એવી દલીલ કરાઇ છે કે, ભારત સરકારે 1991માં જાહેર કરેલી ઔદ્યોગિક નીતિ હેઠળ મોટા ઉદ્યોગો સ્થાપવા ઇન્ડસ્ટ્રિયલ એન્ટરપ્રિનિયોર મેમોરેન્ડમ ફાઇલ કરવાનું રહે છે. તે ફાઇલ કર્યા બાદ એકમ ઉત્પાદનમાં આવે ત્યારે તે મોટા ઉદ્યોગ ભારત સરકારને પાર્ટ-બીમાં માહિતી રજૂ કરે છે. જેના આધારે ભારત સરકાર તેની વેબસાઇટ પર માહિતી જાહેર કરે છે. પાર્ટ-બીમાં મૂડીરોકાણ અને ઉત્પાદનની વિગતો ભારત સરકારે રજૂ કરી નથી આથી પાર્ટ બી ભરાયા બાદ મૂડી રોકાણ વધારતા હોય. તેવા મોટા એકમોની અદ્યતન વિગતો જાણી શકાતી નથી.
ગુજરાતમાં ખરેખર થયેલુ મૂડીરોકાણ
વર્ષ મોટા ઉદ્યોગો એમએસએમઇ
2008-09   19,719 3,916.72

2009-10   11,946 5,295.03

2010-11   13,206 7,964.82

2011-12   12,581 11,725.18

2012-13   3,720 15,323.93


ગુજરાતમાં જુદા જુદા ક્ષેત્રો અને એમએસએમઇ એન્ટરપ્રાઇઝમાં રોકાણો માટેનું શ્રેષ્ઠ ડેસ્ટીનેશન બની રહ્યું છે ત્યારે પાછલા પાંચ વર્ષમાં જોઇએ તો રૂ.1 લાખ કરોડના રોકાણમાં સૌથી વધારે રોકાણ ટેક્સટાઇલ સેક્ટરમાં રૂ.17,307 કરોડ જેટલું થયું છે. જ્યારે દસ સેક્ટર એવા છે જેમાં એકપણ રૂપિયાનું રોકાણ આવ્યું નથી. ખાસ કરીને પ્રાઇમ મૂવર્સ (ઇલેક્ટ્રિસિટી જનરેશન સિવાય), ટેલિકોમ્યુનિકેશન, ટ્રાન્સ્પોર્ટેશન, મશીનટુલ્સ, અર્થ મુવિંગ મશીન, કોમ્યુનિકેશન ઓફિસ એન્ડ હાઉસહોલ્ડ ઇક્વિપમેન્ટ, ફોટોગ્રાફી રો ફિલ્મ એન્ડ પેપર, ફરમેન્ટેશન ઇન્ડસ્ટ્રીઝ, શોપ કોસ્ટમેટિક એન્ડ ટોઇલેટ, ટુરિઝમનો સમાવેશ થાય છે.
દેશમાં ઉદ્યોગોના વિકાસ માટે વાઈબ્રન્ટના તાયફા ગોઠવી પોતાની વાહવાહી કરનાર ભાજપની ગુજરાત સરકારે આ સિલસિલો ચાલુ રાખ્યો છે. હવે, આગામી સમયમાં આ તાયફો જ સાબિત થવા જઈ રહ્યો છે. ત્યારે, સરકાર પોતાની વાહવાહી કરવાનો આ સિલસિલો ચાલું રાખે છે કે કેમ? તે જોવું રહ્યું.

Saturday, 9 May 2015

નમામિ દેવી નર્મદેઃ નર્મદા યોજના કેનાલ નેટવર્ક ક્યારે થશે પૂર્ણ?

રાજ્યના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ સરદાર સરોવર નર્મદા નિગમનું કામકાજ શરૂ કર્યાને 55 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. વચ્ચે કેટલોક સમય આ વિવાદ કોર્ટમાં ચાલ્યો જતાં તેમાં યોજના ખોરંભે પડી હતી. સુપ્રીમ કોર્ટે તબક્કાવાર આ યોજનાના બંધની ઊંચાઈ વધારવા મંજૂરી આપી અને થોડો સમય પૂર ઝડપે કામ ચાલ્યા બાદ આ કામમાં ગોકળગતિ આવી  ગઈ છે.
રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના સંયુક્ત ભાગીદારીના શાહસ સમાન આ યોજના બહુહેતુક યોજના કહેવામાં આવે છે. સિંચાઈ, પીવાના પાણીની કાયમી સમસ્યાનું નિવારણ તેમજ વિજળી સહીતના ઘણા હેતુઓને સાંકળતી આ યોજના રાજ્યમાં એક ક્રાંતિકારી પરીવર્તન લાવી શકે તેમ છે.
આ યોજના અંગે વર્તમાન સમયમાં સરકાર સામાન્ય રીતે ગંભીર હોય તેવુ લાગતું નથી. રાજ્યમાં આજસુધીમાં 25,479 કિલોમીટર જેટલી લંબાઈનું કામકાજ પૂર્ણ કરવામાં આવ્યું છે. મુખ્યત્વે વડોદરામાં 7836કિમી, નર્મદા 807 કિમી, ભરૂચ 3534કિમી, અમદાવાદમાં 3264 કિમી, બનાસકાંઠા 1457કિમી તેમજ કચ્છ 113કિમીનું નેટવર્ક પૂર્ણ થવા પામ્યુ છે.
નર્મદાની મુખ્ય કેનાલ
નર્મદા નદીના પાણીને છેવાડાના ગામ સુધી પહોચાડવામાં જે સુક્ષ્મ આયોજન કરવામાં આવ્યું છે અને કેનાલોનું માળખું તૈયાર કરવામાં તંત્રએ આજસુધીમાં 22102.03 કરોડનો સફાયો કરવામાં આવ્યો છે. આ યોજના થકી 17 જિલ્લાઓના 74 તાલુકાઓમાં 17.92 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ આપવાનું સરકારનું આયોજન છે.
નર્મદા યોજના દ્વારા રાજસ્થાનના છેવાડાના સુખા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાનું નિવારણ કરવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત મુખ્ય કેનાલના વિસ્તારમાં આવતાં રાજ્યના 17 જેટલા જિલ્લાઓને પણ તે હેઠળ સાંકળવામાં આવ્યા છે. આ કેનાલોના નેટવર્કનું કાર્ય હજુ પચાસ ટકા પણ પૂર્ણ થયું નથી ત્યારે તે ક્યારે ખેડૂતોને સિંચાઈ માટે ઉપલબ્ધ બનશે તે જોવું રહ્યું.
નેટવર્કનો મુખ્ય મેપ
નર્મદા કેનાલના મુખ્ય નહેર 458.32કિમીની લંબાઈએ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત શાખા, વિશાખા, પ્રશાખાની 14614.20કિમી તેમજ પ્રપ્રશાખાની 10248.56 કિમીની કેનાલોનું નેટવર્ક પૂર્ણ કરવામાં આવ્યું છે જ્યારે, વર્ષ 2014ની સ્થિતિ મુજબ કેનાલના શાખા, વિશાખા અને પ્રશાખાનું 11495.80કિમીનું કામ અને પ્રપ્રશાખાનું 37809.44 કિમીનું નેટવર્ક હજુ તૈયાર કરવાનું બાકી છે. આ નેટવર્ક ક્યારે તૈયાર થશે અને ખેડૂતોના ખેતરો સુધી પહોચશે તેનો મદાર હવે સરકાર અને તંત્ર પર રહેલો છે. સરકાર ઉદ્યોગપતિઓ પરથી નજર ઉઠાવી હવે જગતના તાત પર મહેરબાન થાય તો સરદારના નામે મેળવેલા મતો લેખે લાગ્યા ગણાય.
ભાજપની સરકાર નર્મદાના નામે ખેડૂતો પાસેથી ઢગલાબંધ મતો મેળવતી આવી છે. સરદારના વારસદારની ભૂમિકા નિભાવી રહી છે ત્યારે, સરદાર પટેલના સંતાનોને સિંચાઈના અને ખેતીના અનેક પ્રશ્નો આજે જૈસે થે છે. આ પ્રશ્નો ઉકેલવા સરકાર સંવેદનશીલ નથી કારણકે, ખેડૂતો ક્યાં ફંડીંગ પુરૂ પાડે છે. રાજ્યના સર્વાંગી વિકાસ માટે નર્મદાનો પ્રસરાવો વહેલી તકે ફેલાય તે સરકાર જેટલું વહેલું સમજશે એટલું સારૂ.
નર્મદા નદીના મુખ્ય સરદાર સરોવર બંધ પર સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા મોટા મોટા સ્મારકો સ્થાપિત કરવામાં અને પ્રસિદ્ધિ મેળવવામાંથી બહાર આવી કેનાલોના નેટવર્કને તૈયાર કરે અને પાણીને ખેડૂતોના ખેતરો સુધી પહોચાડે તે જરૂરી છે.

Friday, 8 May 2015

કોના બાપની દિવાળીઃ ગુજરાત માથે 2.24 લાખ કરોડનું દેવું, કોના પાપે

દેશના ગ્રોથ એન્જિન બનવા માટે અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ સહિતના સ્વપ્નો સાકાર કરવા માટે હરણફાળ ભરી રહેલું ગુજરાત આગામી બે વર્ષમાં જ દેવાંના ડુંગળ તળે દટાઇ જશે તેવી સ્થિતિ છે. છેલ્લા કેટલાક વર્ષથી નાની બચતમાં ઘટતાં જતાં રોકાણો સામે ગુજરાતની જાહેર બજારમાંથી નાણાં ઉછીના લેવાની વધતી જતી માનસિકતાના કારણે માર્ચ, 2015ના અંત સુધીમાં જાહેર દેવું રૂ.1.65 લાખ કરોડ જેટલુ થાય એમ છે અને આ ટ્રેન્ડ યથાવત રહેશે તો 2017-18માં દેવાંનો આ આંક રૂ.2.24 લાખ કરોડને આંબી જાય તેવો અંદાજ રાજ્ય સરકારના દસ્તાવેજમાં અંદાજવામાં આવ્યો છે.
2008-09થી 2013-14ના ગાળામાં દેવાંના ઘટકમાં ફેરફાર થયો છે, જેમાં કેન્દ્ર સરકારની લોનનું પ્રમાણ 11.87 ટકાથી ઘટીને 5.22 ટકા થયું છે. તે જ પ્રમાણે નેશનલ સ્મોલ સેવિંગ ફંડ (એનએસએસએફ) લોનનો હિસ્સો 51.59 ટકાથી ઘટીને 32 ટકા થયો છે જ્યારે બજાર લોન હિસ્સો 32.20 ટકાથી વધીને 58.42 ટકા થયો છે. માર્ચ, 2014ના નાણાકીય વર્ષમાં જાહેર દેવાંની સપાટી રૂ.1.49 લાખ કરોડ હતી જે કુલ દેવાંના 58.42 ટકા રકમ બજાર લોન, બોન્ડ્ઝનો હિસ્સો હતી જ્યારે એનએસએસએફનું પ્રમાણ રૂ.47841 કરોડ એટલે કે 32 ટકા હતું. આ સ્થિતિ ચાલુ નાણાકીય વર્ષ પૂરું થાય ત્યારે માર્ચ, 2015માં વધુ સ્પષ્ટ થશે અને જાહેર દેવું વધીને રૂ.1.65 લાખની સપાટીએ પહોંચશે. વર્ષ 2015-16માં આ રકમ રૂ.1.84 લાખ કરોડ અને વર્ષ 2016-17માં રૂ.2.04 લાખ કરોડ સુધી પહોંચશે.
ભાજપ શાસિત રાજ્યની સરકાર વારંવાર એવો દાવો કરે છે કે કેન્દ્ર સરકારની સ્મોલ સેવિંગ્સની જેટલી સ્કીમો છે તેમાં ગુજરાતની જનતા રોકાણ કરે છે તે રોકાણોને કેન્દ્ર સરકાર ગુજરાતને દેવાં તરીકે જવાબદારી સોંપે છે એટલે દેવાંનું પ્રમાણ વધે છે, પરંતુ નાણાં વિભાગનો દસ્તાવેજ સ્પષ્ટપણે જણાવે છે કે સ્મોલ સેવિંગ્સનું પ્રમાણ વીસ ટકા ઘટ્યું છે જ્યારે ગુજરાતનું બજારમાંથી ધિરાણ લેવાનુ ઉત્તરોત્તર વધીને 24 ટકા જેટલું ઊંચે ગયું છે.
સરકારે તેની મહેસૂલી આવકો વધારવા સાથે મહેસૂલી ખર્ચમાં નિયંત્રણ રાખી મૂડી ખર્ચ વધારી રહી હોવાથી તેની અસ્ક્યામતોમાં વધારો થઇ રહ્યો છે. સરકારે અમલી બનાવેલા વિત્તિય વ્યવસ્થાપન ધારા મુજબ ખાધ નિયંત્રણમાં છે અને એ જ રીતે જીએસડીપીના પ્રમાણમાં 27 ટકા જાહેર દેવાંના બદલે હાલ તેનું દેવું 18.34 ટકા છે. આને કારણે ગુજરાતને કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક લાભો પણ મળ્યા છે. નાણાકીય શિસ્તની જાળવણીને લીધે વ્યાજ ખર્ચમાં 1710 કરોડની બચત થઇ છે જ્યારે રૂ.2262 કરોડના દેવાં માફી થયા છે.

Thursday, 7 May 2015

રાજ્યમાં પશુઓની સંખ્યા 2.71 કરોડને પાર, દેશમાં નવમા ક્રમાંકે

ભારત એક કૃષિપ્રધાન દેશ છે. દેશનો બહુજન સમુદાય ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. ગ્રામ્ય જીવનમાં ખેતી અને પશુપાલન વ્યવસાય થકી પરિવારનું નિર્વહન કરવામાં આવે છે. દેશમાં જ્યારે શહેરીકરણનો ડ્રેગન દિનપ્રતિદિન વધતો જાય છે ત્યારે, આ કૃષિ અને પશુપાલન પર પણ તેની પ્રતિકૂળ અસરો જોવા મળે તે સ્વાભાવિક છે.
ગુજરાતમાં પણ રાજ્યનો 60 ટકા વર્ગ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો છે. પશુપાલન સાથે રાજ્યમાં અદ્દભુત ક્રાંતિ પણ સર્જાઈ છે. દેશભરમાં સર્જાયેલ શ્વેતક્રાંતિ પશુપાલનને આભારી છે. આ ક્રાંતિના મુળ ગુજરાતમાં છે. રાજ્યની અમુલ ડેરી,બનાસ ડેરીએ વિશ્વકક્ષાએ શ્વેતક્રાંતિમાં આગવી નામના મેળવી છે.
પશુપાલન વ્યવસાયના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ સતત પ્રયત્નશીલ હોય છે. પશુપાલન ધારકોને સબસિડીની યોજના, લોન, પશુઓ માટે વીમો, પશુપાલનના સાધનો જેવી સહાય પ્રદાન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા પાંચ વર્ષે પશુઓની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવતી હોય છે. કેન્દ્ર સરકારના ડેરી અને ફીશરીંઝ વિભાગ દ્વારા તાજેતરમાં પશુધન ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં રાજ્યમાં 2,71,28,200 પશુઓની વિગતો બહાર આવી છે જેમાં, બનાસકાંઠામાં 25,44,836 પશુઓ નોંધાયા છે જે રાજ્યના તમામ જિલ્લાઓમાં અવ્વલ નંબરે છે. જ્યારે, ડાંગ જિલ્લામાં 1,33,012 પશુઓ નોંધાયા છે. રાજ્યના તમામ જિલ્લાઓની તુલનાએ ડાંગમાં પશુઓની સંખ્યા ઓછી છે. સંપૂર્ણ આદિવાસી અને કૃષિ આધારિત સભ્યતા ધરાવતા જિલ્લામાં પશુઓની ઓછી સંખ્યા સરકારની પછાત જિલ્લાઓ પ્રત્યેની ઉદાસિનતા દર્શાવે છે.
રાજ્યમાં ગૌધન વર્ગના પ્રાણીઓની સંખ્યા 99,83,953 છે તો ભેસ વર્ગના પ્રાણીઓની સંખ્યા 1,03,85,574 નોંધાઈ છે જે રાજ્યના તમામ પશુઓના 38.85 ટકા થવા પામે છે. રાજ્યમાં રબારી ભરવાડ જેવા માલધારી પશુપાલકો ઘેંટા, બકરાના ઉછેર કરી પોતાની રોજીરોટી મેળવતા હોય છે. આ ઘેંટા બકરાની સંખ્યા પણ રાજ્યમાં 66,66,722 નોંધાઈ છે.
રાજ્યનું પશુધન દેશના કુલ પશુઘનની તુલનાએ 5.23% હીસ્સા સાથે નવમા ક્રમાંકે છે. પશુધનમાં 2,56,87,687 પશુઓ ગ્રામ્ય વિસ્તારોમાં અને 1440513 પશુઓ શહેરી વિસ્તારમાં આવેલા છે. 1,36,63,130 પરીવારો પાસે પશુધન હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. 2007ના વર્ષની તુલનાએ 2012ના વર્ષની પશુ ગણતરીમાં 12.39%નો વધારો જોવા મળ્યો છે.
રાજ્ય અને દેશની કુદરતી સંપતિ સમાન પશુ સંપતિના સંવર્ધન અને ઉછેર માટે તંત્ર અને પશુપાલક વર્ગમાં એક વૈજ્ઞાનિક અભિગમ કેળવાય અને પશુ સંપતિમાં ઉતરોત્તર વધારો થાય તે અંગે જાગૃતિ કેળવાય તે જરૂરી છે. પશુઓનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર, યોગ્ય દવાઓ અને સારવાર તેમજ પુરતું વાતાવરણ, પાણી અને ઘાસચારા જેવી પાયાની જરૂરીયાતો ઉપલબ્ધ થાય તો પશુઓનો યોગ્ય વિકાસ થઈ શકે તેમજ પશુઓની સંખ્યામાં વધારો પણ થઈ શકે.
વર્તમાન સમયમાં ગ્રામ્ય સમુદાયના ખેડૂત પરિવારોના નિર્વાહમાં પશુપાલન વ્યવસાય મુખ્ય ભૂમિકા નિભાવે છે. ખેડૂતો અને ગ્રામીણ સમુદાયના ઉત્થાન માટે પશુપાલન વ્યવસાયને પ્રોત્શાહન આપવામાં આવે તો પણ રાજ્યના વિકાસને એક નવી દિશા મળી શકે છે.

Wednesday, 6 May 2015

એક વર્ષના શાસન બદલાવમાં કાર્યકર્તા જ નારાજ

કેન્દ્રમાં મોદી સરકાર તેમજ ગુજરાતમાં આનંદીબેન પોતાના શાસનનાં એક વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. આ એક વર્ષની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ભાજપને મતદારો દ્વારા કાશ્મીર અને જમીન સંપાદન બીલના મુદ્દે થનારા સવાલોનો સામનો કરવાનો થશે.
દેશમાં અને ગુજરાતમાં ભાજપ માટે આગામી 21 થી 26મી મે સુધીનો સમયગાળો ઉજાણીનો રહેવાનો છે. ગુજરાતમાં આનંદીબહેને મુખ્યપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યાને 21 મેના રોજ એક વર્ષ પૂર્ણ થાય છે, તો વડાપ્રધાન તરીકે શાસનનની ધુરા નરેન્દ્ર મોદીએ 26મી મેના રોજ સંભાળી હતી. આમ, કેન્દ્રમાં ભાજપનું એક વર્ષનું શાસન અને ગુજરાતમાં" બેન"ના નેતૃત્વ હેઠળની સરકારનો સમયગાળો પૂર્ણ થઇ રહ્યો છે. જો કે બંનેની ઉજવણી ભાજપ ભલે સાથે કરી રહી હોય પરંતુ શાસનની સરખામણી કરવી યોગ્ય નથી. કેન્દ્રમાં ભાજપના શાસનને હજુ માત્ર એક વર્ષ થયું છે, જ્યારે ગુજરાતમાં વર્ષોથી ભાજપનું જ શાસન છે. ફરક માત્ર એટલો છે કે મુખ્યપ્રધાન બદલાયા છે.
ભાજપે આ વખતે અનેક પડકારો વચ્ચે ઉજવણી કરવાની છે. રાજ્યમાં ભાજપના શાસનની  વાહવાહ કરવાની અને કેન્દ્ર સરકારની સામે બાંયો ચઢાવવાની તેવું આજસુધી ચાલતુ આવ્યું છે. પરંતુ હવે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની જ સરકાર છે. ત્યારે, આક્ષેપબાજીનો અવસર નહિં મળે એટલું જ નહિં સામે અનેક સવાલોના જવાબો પણ આપવા પડશે. વિપક્ષો હંમેશા એવો આક્ષેપ કરતા આવ્યા છે કે" જૂઠ બોલવું અને જોરથી બોલવું " તે ભાજપની નીતિરીતિ છે. જો કે ભાજપ આક્ષેપો કરવામાં જે રીત અપનાવે છે તે જ રીત સરકારના ગુણગાન ગાવામાં પણ અપનાવશે.
કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપ શાસનની સિધ્ધિઓને પ્રજાજનો સુધી પહોંચાડવા માટે પ્લાન ઘડાઈ ચુક્યો છે. પ્રધાનોથી માંડીને છેક પક્ષના પદાધિકારીઓને પ્રજજનો સુધી પહોંચે તેવું આયોજન કરાયું છે. પ્રસિદ્ધિમાં માહેર ભાજપ તેનો ભરપૂર ઉપયોગ કરશે જ પરંતુ, આ વખતે પક્ષના નેતાઓ સાથે કાર્યકરોને પણ મોટી સંખ્યામાં મેદાનમાં ઉતારવામાં આવશે અને તેના ભાગરુપે સંપર્ક અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.
પક્ષના આગેવાનો અને કાર્યકરો પ્રજાજનો સમક્ષ જાય ત્યારે સંભવિત સવાલો સામે ક્યાં જવાબ આપવા તે માટે પ્રશિક્ષિત કરવાનું કામ હાલ ભાજપમાં ચાલી રહ્યું છે. ખાસ કરીને કાશ્મીરમાં મુફ્તી સરકારમાં જોડાવાનો મામલો અને જમીન સંપાદન બિલના મુદ્દે એક સૂરમાં જવાબ આપવામાં આવે તે માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. કાશ્મીર અને જમીન સંપાદન મામલે ભાજપ સરકાર પાસે નક્કર જવાબો નથી ત્યારે કેવી દલીલો કરવી તે માટેની કસરત ચાલી રહી છે.
ભાજપ માટે સૌથી મોટો પડકાર એ છે કે જે કાર્યકરોને પ્રજાને સમજાવવાનું કામ સોંપાવાનું છે તે કાર્યકરોને પહેલાં સમજાવવા પડે તેમ છે કારણ કે કાશ્મીરના મામલે પક્ષનાં નિર્ણયને પક્ષનાં જ કાર્યકર્તાઓ ગળે ઉતારી શક્યા નથી તો બીજીબાજુ જમીન સંપાદન મામલે સરકારનાં વલણને પણ સમજી શક્યા નથી. જો કે, પ્રમાણમાં શિસ્તબદ્ધ ગણાતા ભાજપમાં કાર્યકરો મનમાં શું છે તે કળાવા નહી દે અને પક્ષ દ્વારા ગોખાવવામાં આવેલા જવાબો આપશે તેવું મનાઈ રહ્યું છે.
ભાજપની ભવ્ય ઉજવણીમાં કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયોને યથાર્થ ઠેરવવાનો પ્રયાસ કરાશે તેમજ સરકારના નિર્ણયોને દેશહિતમાં ખપાવવાના પ્રયાસો કરવામાં આવશે જ્યારે, ગુજરાત સરકારની એક વર્ષની આનંદીબેનની લોકસંપર્ક કામગીરીને પ્રજા સમક્ષ મુકી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વાતાવરણ ઉભુ કરવામાં આવશે.

सौजन्यः- नरेश दवे, नारण आसल

Tuesday, 5 May 2015

કૃષિ ક્રાંતિ માટે સંશોધકો બન્યા કિસાન

કૃષિ ક્ષેત્રમાં નવા સંસોધનો અને ટેક્નોલોજીના ઉપયોગથી ઉત્પાદન વૃદ્ધિ કરવા અને ખેતીમાં ક્રાંતિ લાવવાના ધ્યેય સાથે આઈઆઈટી ખડગપુરના સંશોધકોનું એક ગ્રુપ ખેતીના કામમાં જોતરાઈ ગયું છે. તેમને મળેલી સફળતાથી આસપાસના ખેડુતો પોતાને ત્યાં આ પ્રકારના નિદર્શનો યોજવા વિનંતી કરવા લાગ્યા છે. આ સંશોધકોએ ફક્ત નવી ટેકનોલોજી જ નહીં, ઓર્ગેનિક ખેતીના પણ પ્રયોગો શરૂ કર્યા છે.
ખડગપુર
પશ્ચિમ બંગાળની આ ખ્યાતનામ આઈઆઈટીના સંશોધકોની એક ટીમે કેમ્પસ નજીકની ખરાબાની જમીનના એક મોટા ટુકડા ઉપર વાસ્તવમાં હરિયાળી ક્રાંતિ લાવવાનું બીડું ઝડપી લીધું છે અને તેમના પ્રયાસોથી આસપાસના વિસ્તારોના ખેડૂતો એટલા તો પ્રભાવિત થયા છે કે હવે તેઓ પણ ખેતીની આધુનિક પદ્ધતિ અપનાવવા આ સંશોધકોની સાથે કામે લાગી ગયા છે.
આઈઆઈટીના સંશોધકોની ટીમે કેમ્પસથી 10 કિ.મી.ના અંતરે આવેલા ખેંટીયા ગામે જુદા જુદા ખેડૂતોની માલિકીની 14 એકરની ખરાબાની જમીનને અપનાવી લઈ તે જમીનને નવી કૃષિ ટેકનોલોજીઝના પ્રયોગો માટેની લેબોરેટરી બનાવી દીધી છે. ઉલ્લેખનિય હકિકત એ છે કે, આમાંની મોટાભાગની જમીન છેલ્લા કેટલાય વર્ષોથી વણખેડાયેલી પડી હોવાના કારણે ખરાબા જેવી સ્થિતિમાં આવી ગઈ હતી. એ ઉપરાંત, આ સમગ્ર જમીનની માલિકી અનેક ખેડૂતોની છે, કારણ કે મોટા ભાગના ખેડૂતો પાસે જમીનના નાના નાના ટુકડા છે. આથી તમામ ખેડૂતોએ આંખોમાં આશાની ચમક સાથે આઈઆઈટીના સંશોધકોની ટીમને પ્રયોગો માટે પોતાની જમીન સોંપી દીધી.
આઈઆઈટીની ટીમે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં આ જમીનનો કબજો લીધો અને તેના ઉપર પ્રાથમિક કામ શરૂ કર્યું. સમગ્ર ખેતરને એક સમાન બનાવ્યા પછી ચોખાની બહેતર ઉપજ માટે "શ્રી" ટેકનોલોજી સાથે ડાંગરનું વાવેતર કરવામાં આવશે. ખૂબજ પાણીની જરૂરત ધરાવતા ડાંગરના વાવેતરમાં આ શ્રી ટેકનોલોજીથી પાણીની તથા જંતુનાશકોની જરૂરત 30 થી 40 ટકા ઓછી રહે છે. આ ઉપરાંત પાકમાં વૈવિધ્ય લાવવાના ઈરાદે, નિષ્ણાતોએ મકાઈ, મગફળી અને સોયાબીન જેવા રોકડિયા પાકો પણ અપનાવ્યા છે, એમ પ્રોજેક્ટ ઈન્ચાર્જ પ્રો. પી.બી.એસ. ભદોરીઆએ જણાવ્યું હતું.
આધુનિક ખેતીની સાથોસાથ ઓર્ગેનિક ખેતીને વેગ આપવા સંશોધકોની ટીમે આ ખેતરમાં જ વર્મીકમ્પોસ્ટ યુનિટની રચના પણ કરી છે. ખેતરમાં ટ્યુબવેલ બનાવ્યો છે, તો વરસાદી પાણીના સંગ્રહમાં ખેતતળાવ બનાવ્યું છે અને મત્સ્ય ઉછેરની પ્રવૃત્તિ પણ શરૂ કરી છે.
આ મોટા ટુકડામાં ફક્ત 20 ગુંઠા જેટલી જમીન ધરાવતો એક ખેડૂત, 48 વર્ષનો જગન્નાથ દાસ કહે છે કે હવે તે ખેતીની નવી નવી વાતો શિખી રહ્યો છે. “અમે તેમને અમારી જમીન એટલા માટે સોંપી દીધી કે આઈઆઈટી જેવી માતબર સંસ્થાના નામ ઉપર અમને વિશ્વાસ છે. અમે હવે ખેતી વિષે નવી નવી વાતો એવી રીતે શિખી રહ્યા છીએ અને અમને લાગે છે કે અમારા ખેતરો હવે શાળાનો એક વર્ગ બની ગયા છે.”
આ હરિયાળી ક્રાંતિ વિષે જાણીને પીડબ્લ્યુસી જેવી મલ્ટીનેશનલ કંપનીમાં સાઉદી અરેબિયામાં જોબ કરતા આઈઆઈટી મદ્રાસના મેટાલર્જીના વિદ્યાર્થી અભિષેક સિંઘાણિયાએ આ હરિયાળી ક્રાંતિમાં જોડાવા માટે પોતાની જોબ છોડી દીધી છે.
તેમના કહેવા મુજબ આપણા ખેડૂતોની દયાજનક સ્થિતિ વિષે જાણ્યા પછી તેમને મદદ કરવા આ પ્રોજેક્ટમાં સામેલ થવાનો મેં નિર્ણય લીધો હતો. આમાં મારી ભૂમિકા ખેડૂતોને નવી ટેકનોલોજી અપનાવવા માટે સમજાવવાની છે. એક વખત પાકની લણણી થઈ જાય, એ પછી તે ખેડૂતોને તેમની ઉપજના સારા ભાવ અપાવવા પણ પ્રયત્નો કરશે, જેથી ખેડૂતોને વચેટીયાઓના શોષણનો ભોગ બનવું પડે નહીં.
ખેડૂતોને તેમની ખેતી તેમજ પાક લીધા પછી તેના વેચાણ માટે દરેક તબક્કે યોગ્ય માર્ગદશર્ન માટે સાચી વ્યક્તિઓની જરૂર હોય છે. મારો પ્રયાસ છે કે આ મોડલ ટકાઉ બને, જેથી આઈઆઈટીની ટીમ સાથેનો સહયોગ પુરો થયા પછી પણ ખેડૂતો બધી કામગીરી પોતાના આપબળે બરાબર સંભાળી શકે.
પ્રોજેક્ટ ઓફિસર અને કૃષિ નિષ્ણાત તનુમોય બેરાના જણાવ્યા મુજબ તેઓ સંસાધનોના મહત્તમ રીતે સંતુલિત ઉપયોગ અને એ રીતે પર્યાવરણ ઉપર ન્યૂનતમ અસર માટે લાંબો સમય સુધી ટકાઉ ગણાય તેવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે.
ડાંગરના વાવેતર માટેની "શ્રી" (સીસ્ટમ ઓફ રાઈસ ઈન્ટેન્સિફિકેશન – SRI) પદ્ધતિમાં પાણીની તથા જંતુનાશકોની જરૂર પરંપરાગત ખેતી કરતાં 30 થી 40 ટકા ઓછી રહે છે અને છતાં ચોખાની ઉપજ વધુ મળે છે. આ પ્રોજેક્ટની સફળતાના પગલે, નજીકના વિસ્તારોમાં વસતા બીજા ખેડૂતો પણ એની નોંધ લઈ રહ્યા છે, ઉત્સાહિત છે અને આ મોડલના પોતાના વિસ્તારમાં પુનરાવર્તન માટે આઈઆઈટીને વિનંતી પણ કરી રહ્યા છે. પ્રો. ભદોરિયાએ જણાવ્યું હતું કે, ટેકનોલોજીનું નિદર્શન ટુંકા ગાળા - એક વર્ષ માટે કરવાના ઈરાદે અને તે રીતે વધુ ગામડાઓને આવરી લેવા માટે તેઓ ઉદ્યોગો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી નાણાંકિય ભંડોળની સહાય મેળવવા પ્રયત્નો કરશે.
“ઉન્નત ભારત અભિયાન” હેઠળ હાલનો પ્રોજેકટ ચાલી રહ્યો છે તે ખેંટીયા ગામે પ્રોજેક્ટ ત્રણ વર્ષ માટે ચાલશે. બીજા તબક્કામાં તેઓ સેન્સર આધારિત સિંચાઈ, સ્પ્રિન્કલર સિંચાઈ, માટીના પરીક્ષણ માટે સોઈલ ટેસ્ટીંગ કિટ્સ વગેરેનો પણ ઉપયોગ કરશે. અને આ પ્રોજેક્ટમાં જે કોઈ પાકનો ઉતાર મળે તેની વહેંચણી તમામ ખેડૂતોની જમીન માલિકાના પ્રમાણ મુજબ પ્રમાણસર રીતે કરાશે.