Saturday, 16 May 2015

મુખ્યપ્રધાનોએ ખોળે લીધેલું કરમદી ગામ આજે પણ અનાથ, દોજખ જિંદગી જીવતાં ગામજનો

ભારત ગામડાઓનો બનેલો ખેતીપ્રધાન દેશ છે. દેશનો 70 ટકા જનસમુદાય ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરે
છે. આ ગ્રામ્ય જનસમુદાય અનેક મુશ્કેલીઓ અને યાતનાઓ વચ્ચે પોતાનું જીવન અને આગામી પેઢીનું સંવર્ધન કરે છે. આજે પણ આઝાદીને સાત સાત દાયકાઓ પૂર્ણ થવા આવ્યા હોવા છતાં દેશના કેટલાય ગામો એ જ પછાત અને અઢારમી સદીનું કારમું જીવન પસાર કરે છે. શાસનતંત્ર કે સ્વૈચ્છિક સંગઠનો શહેરી વિસ્તારોના વિકાસમાંથી બહાર નિકળે ત્યારે આવા ગામોને નર્કમાંથી બહાર કાઢવાની કોશિશ કરી શકે ને. બનાસકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતાં અમીરગઢ તાલુકાનું કરમદી ગામ પ્રાથમિક સુવિધાઓથી સંપૂર્ણ વંચિત છે. ગામમાં નથી તો કોઈ બસની સુવિધા કે નથી તો કોઈ સરકારી દવાખાનાની સુવિધા. ગામમાં નામની માત્ર પ્રાથમિક શાળા આવેલી છે. પરંતું, ત્યાં પણ પુરતા વર્ગખંડો કે શિક્ષકોનો અભાવ છે. જર્જરીત શાળાના ઓરડાઓમાં દેશનું ભવિષ્ય નિર્માણ પામે છે. પરંતું, વહિવટીતંત્ર આ અંગે સુન્ન છે. આજથી 30 વર્ષ અગાઉ અમરસિંહ ચૌધરી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે, આ ગામ તેમણે દત્તક લીધું હતું ત્યાર બાદ દેશના સ્વપ્નદ્રષ્ટા નરેન્દ્ર મોદીએ આ ગામને દત્તક લીધું હતું. પરંતું, દુર્ભાગ્યે દેશના સ્વપ્નદ્રષ્ટા મોદી પણ આ ગામનું સ્વપ્ન ન સુધારી શકયા.
ગામમાં પીવાના પાણીની તંગી છે. વિજળી અને રસોઈ ગેસ તો ગામ લોકો માટે કલ્પના બહારની વાત છે. ભૌગોલિક રીતે પર્વતીય વિસ્તારમાં આવેલ આ ગામ અંબાજીથી 12 કિમીના અંતરે આવેલું છે. જ્યારે વહિવટીતંત્ર દિન દહાડે અંબાજીના આંગણે ધામા નાખે છે ત્યારે, આ ગામની પણ એક મુલાકાત લે તો મુશ્કેલીની નગ્ન વાસ્તવિકતા સત્તાધીશોને સમજાય. રસ્તાઓની બેસુમાર હાલત અને રડ્યાં ખડ્યાં છાપરાં વચ્ચે આ માનવ સમુદાય છે કે આદિમાનવ સમુદાય તેનો પણ તેમને અહેસાસ થાય.
આ ગામમાં રહેવા માટે તૂટેલા ફૂટેલા નળીયા અને છાપરાથી વિશેષ કંઈ નથી. સરકારી યોજનાઓ અને આદિજાતિ વિકાસ યોજનાઓના અહિં કોઈ નામો નિશાન પણ નથી. ગામમાં જ્યારે, પહાડી વિસ્તારમાં રાત પડતાં અહી સૂમસાન વાતાવરણ બની જાય છે અને ગ્રામજનો પણ હિંસક પશુઓની દહેશત વચ્ચે જીવન વ્યતિત કરે છે.
ગામની સમસ્યા અંગે સોમી પરમાર સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, ગામમાં માત્ર વોટ લેવા માટે નેતાઓ ફરકે છે, ત્યારબાદ અહિં કોઈ ફરકતું પણ નથી. અમે બદત્તર હાલતમાં જીવીએ છીયે. નથી અમારી પાસે રહેવા માટે પાકું ઘર કે નથી વીજળી.

ગરીબીની નગ્ન વાસ્તવિકતા આ દેશને ઉધઈની માફક કોરી રહી છે, પરંતુ સત્તાધીશો શહેરીકરણની આંધળી દોટમાં ગામડાની ગરીબીને નિર્મૂલન કરવાનું ભૂલી જાય છે. એક તરફ શહેરોમાં શ્રીમંતાઈનો વ્યાપ વધતો જાય છે તો બીજી તરફ ગરીબીનો વ્યાપ પણ એટલો જ વકરતો જાય છે. આ અસમાનતાની ખાઈ દેશના વિકાસને વિંધી નાખે તો નવાઈ નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે દત્તક લીધેલું બનાસકાંઠા જિલ્લાના ટ્રાયબલ એરિયા અમીરગઢ તાલુકાનું અંતરીયાળ કરમદી ગામ આજે આઝાદીના સાત દાયકા બાદ પણ દોજખ જિંદગી જીવતા પરિવારને નવજીવન આપવામાં તંત્ર સંપૂર્ણ ઉણું ઉતર્યું છે. વડાપ્રધાને પોતાના મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળ દરમ્યાન આ કરમદી ગામને દત્તક લઈને તેની કોઈ જ સાર સંભાળ કે તસ્દી લીધી નથી ત્યારે સવાલ થાય છે કે, સંસદમાં આદર્શ ગ્રામ યોજના હેઠળ સાંસદો પાસે ગામો દત્તક લેવડાવીને કેવો વિકાસ કરાવવા માંગે છે. જ્યારે, ખુદ નરેન્દ્ર મોદી પોતાના કાર્યકાળમાં જે ગામોનો વિકાસ કરી શક્યા નથી ત્યારે આ યોજના પણ એક પ્રસિદ્ધિ જ બની રહેશે કે વિકાસ કરવામાં આવશે તે એક સવાલ છે.

No comments:

Post a Comment

thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.