Friday, 19 September 2014

પેટા ચૂંટણીઓ રાજકીય પક્ષો માટે લાલબત્તી સમાન...




દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ બે વખત વિવિધ રાજ્યોમાં પેટા ચૂંટણીઓ યોજાઈ. આ બંન્ને ચૂંટણીમાં વિવિધ સમિકરણો અને પ્રાદેશિક પરીબળોએ ભાગ ભજવ્યો. લોકસભાની ચૂંટણીથી વિપરીત પરીણામો પણ જોવા મળ્યા. દેશમાં રાજકીય રીતે ઘણા વિચારાત્મક અને રાજનૈતિક સમિકરણો બદલાયા.
બિહારમાં પ્રથમ તબક્કામાં દસ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી પહેલાં નિતિશે પોતાના પક્ષના કારમા પરાજ્યની જવાબદારી સ્વિકારી મુખ્યમંત્રી પદેથી રાજીનામુ્ં ધરી દીધું હતું. ત્યાં દલિત સમુદાયના જિતનરામ માંઝીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. તે ઉપરાંત લાલુ પ્રસાદ યાદવ અને નિતિશકુમારના પક્ષે ગઠબંધન કરી લેતાં કોંગ્રેસ સહિત ત્રણે પક્ષોએ પેટા ચૂંટણીમાં સહકારથી જંપલાવ્યું હતું. આ ત્રણે પક્ષોએ ભાજપના રથને આગળ વધતો અટકાવ્યો હતો. જે લોકસભામાં કારમો પરાજ્ય વેઠ્યો તેમને વિધાનસભામાં આગળ વધવા તક મળી અને ત્રણે પક્ષોના ગઠબંધને દસમાંથી છ બેઠકો મેળવી.
ઉત્તરાંચલમાં પણ પેટા ચૂંટણી યોજાઈ હતી. આ પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસે ત્રણ બેઠકો મેળવી ભાજપના વેવને આગળ વધતો અટકાવ્યો હતો. જ્યાં લોકસભાની ચૂંટણી બાદ ભાજપને પુનઃ ઉજળા દેખાવની આશા હતી.

ઉત્તરપ્રદેશ,રાજસ્થાન અને ગુજરાત સહિત નવ રાજ્યોમાં પેટા ચૂંટણી બીજા તબક્કામાં યોજાઈ. આ ચૂંટણી મહત્વપૂર્ણ ગણી શકાય કારણ કે, ગુજરાત અને રાજસ્થાનમાં ભાજપનું શાસન છે અને ઉત્તરપ્રદેશમાં ભાજપે ખુબ મોટી સીટો જિતી સંગઠન મજબુત બનાવ્યું છે. અહી પેટા ચૂંટણીમાં ગુજરાત અને રાજસ્થાનમાં લોકસભામાં કંગાળ પ્રદર્શન બાદ કોંગ્રેસે સારો દેખાવ કર્યો છે. બંન્ને રાજ્યોમાં છ જેટલી સીટો સાથે કોંગ્રેસે લોકોમાં પુનઃ વિશ્વાસ સંપાદિત કર્યો છે. ગુજરાતમાં ભાજપે ખુબ એડીચોટીનું જોર લગાવ્યા છતાં કોંગ્રેસ ત્રણ સીટો મેળવવામાં સફળ રહ્યું. રાજસ્થાનમાં ત્રમ સીટો મેળવી અને ભાજપને ફક્ત એક જ સીટ મળતાં ભાજપ સામે અસંતોષ હોય તેવું આંતરીક સ્થિતિનું નિર્માણ થયું.
ઉત્તરપ્રદેશની ચૂંટણી મુખ્યત્વે ઝેરીલી વાણી પર અને ઝેરી વિચારધારા પર નિર્મિત બની હતી. અહી લોકસભાના ઉજ્જવળ દેખાવ બાદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીતવાનો ભાજપને પૂર્ણ વિશ્વાસ હતો. આ પહેલાં થયેલા કોમી રમખાણો અને ઉશ્કેરણીજનક ભાષણો લોકોમાં જૂસ્સો ઉત્પન્ન કરશે તેવું મનાતું હતું. ત્યાંથી ઉભો થયેલો લવ જેહાદનો ચૂંટણી ફટાકડો પણ સૂરસુરીયું બની ગયો હતો. આ વિભાજનવાદી મુદ્દાને લોકોએ અસ્વિકારી ત્યાં ફરીથી મુલાયમસિંહના સમાજવાદી પક્ષ પર લોકોએ વિશ્વાસ મુકતાં ભાજપની આશાઓ ઠગારી નિવડી હતી. માયાવતીએ પોતાના પક્ષના કારમા પરાજ્ય બાદ પેટા ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને મેદાનમાં ના ઉતારી રાજકીય કુનેહ વાપરી હતી. આ પરીવર્તન પણ ચૂંટણીમાં પરોક્ષ રીતે ભાજપ વિરોધી વાતાવરણને હાવી બન્યું હતું.
ભાજપે કેન્દ્રમાં સત્તા હાંસલ કર્યા યોજાયેલી પેટા ચૂંટણીઓમાં ભાજપનો દેખાવ સરેરાશ રહ્યો. પશ્ચિમ બંગાળમાં ભાજપે પોતાનું ખાતું ખોલાવ્યું પણ ખરુ, છતાં એકંદરે ભાજપને ઉંચી આશાઓ સાથે મત આપનાર વર્ગની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં સરકાર નિષ્ફળ રહેતાં લોકોએ વિરોધમાં મતદાન કર્યું. આ સમય હવે ભાજપને લોકોની લાગણીઓ સમજવાનો છે, આપેલાં વચનો પરીપૂર્ણ કરવાનો છે, વાસ્તવદર્શી કામ કરી પરીવર્તન અને પારદર્શિતા ઉભી કરવાનો સમય છે ત્યારે મતદારોને છેલ્લા સમયે જોઈ લેવાશે તેવી રાજકીય પક્ષોએ વિચારધારા છોડવી જોઈએ.

No comments:

Post a Comment

thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.