Tuesday 16 June 2015

SMS દ્વારા વૈજ્ઞાનિક માહિતી આપવામાં ગુજરાત દેશમાં અગ્રેસર

કેન્દ્ર સરકાર દ્વારા mkisan portal તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પર દેશભરના પશુપાલકો અને ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે માહિતગાર કરવામા આવે છે. આ પોર્ટલ પર એસ.એમ.એસથી વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવામાં ગુજરાત દેશના અન્ય રાજ્યોની તુલનાએ પ્રથમ ક્રમાંકે રહ્યું છે. પોર્ટલ દ્વારા રાજ્યના ૬.૫૦ લાખ પશુપાલકોને ૧૫૭ લાખ એસએમએસ મોકલાયા છે.

રાજ્યના પશુપાલકોને પશુપાલન અંગેની વૈજ્ઞાનિક માહિતી અને માર્ગદર્શન એસ.એમ.એસ. મારફતે મોકલવામાં આવે છે. આ ઉપરાંત પશુપાલન વિભાગની રાજ્યની વિવિધ સહાયકારી યોજનાઓથી પણ લોકોને માહિતગાર કરવામાં આવે છે. કુદરતી આપત્તિ સમયે આ પ્રકારના મેસેજથી પશુઓના જાનમાલના રક્ષણ અંગે માહિતી આપીને નુકસાન થતું અટકાવવામાં આવે છે.
ગુજરાતની શ્વેતક્રાંતિ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. રાજ્યની અમુલ ડેરી અને બનાસ ડેરીની સફળતાનું શ્રેય સંપૂર્ણ રીતે રાજ્યના સક્ષમ પશુપાલન ઉદ્યોગને આભારી છે. આ પશુપાલન વ્યવસાયના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ સતત પ્રયત્નશીલ હોય છે. પશુપાલન ધારકોને સબસિડીની યોજના, લોન, પશુઓ માટે વીમો, પશુપાલનના સાધનો જેવી સહાય પ્રદાન કરવામાં આવે છે. આ તમામ પ્રકારની સહાયકારી યોજનાનો લાભ સીધો લાભાર્થીને મળી રહે તે માટે આ એસએમએસ સેવા શરૂ કરાવામાં આવી છે.

રાજ્યમાં તાજેતરમાં થયેલી પશુગણતરી દરમ્યાન 2,71,28,200 પશુઓની વિગતો બહાર આવી છે જેમાં, બનાસકાંઠામાં 25,44,836 પશુઓ નોંધાયા છે જે રાજ્યના તમામ જિલ્લાઓમાં અવ્વલ નંબરે છે. આ પશુઓના વિકાસ અને પશુપાલન વ્યવસાય દ્વારા પોતાનું જીવન ધોરણ ઉંચું લાવી રહેલા પશુપાલકો પશુઓનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરે તે વર્તમાન સમયમાં આવશ્યક પણ છે. સામાન્‍ય રીતે ઓછું દૂધ આપતાં, આંચળમાં ખામી, વારંવાર ઉથલા મારવાની કુટેવો, માટી, ખસી જવા જેવી બિમારીઓના સમયે ક્યા ક્યા પગલાં ભરવાં જોઈએ તેની માહિતી પણ પશુપાલકોને આપવામાં આવે છે.

રાજ્યના ખેડૂતો વૈજ્ઞાનિક માર્ગદર્શન અને કૃષિ તેમજ પશુપાલનલક્ષી માહિતી મેળવવા માટે કેન્દ્ર સરકારના mkisan portal પર રજીસ્ટ્રેશન કરાવીને જોડાઈ શકે છે. પશુપાલકોની સમસ્યાઓનું નિવારણ થાય છે. કિસાનો અને પશુપાલકોને મળતી સરકારી યોજનાઓ અંગેની માહિતી પણ આપવામાં આવે છે.

ગુજરાતમાં ફરજિયાત મતદાન અંગે સરકારની સ્થિતી કફોડી

ગુજરાત સરકારે ફરજિયાત મતદાન માટેનો કાયદો પસાર કરાવીને પોતે જ મુસીબતમાં મુકાઈ ગઈ છે. અગાઉ કાયદો પસાર કરાવવા માટે પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલ સામે સરકારે બાંયો ચઢાવી હતી. રાજ્યપાલ અને સરકાર આમને-સામને આવી ગયા હતા. ત્યાર પછી આ કાયદો વર્તમાન રાજ્યપાલ ઓ.પી. કોહલીએ મંજૂર કરતાં હવે આગામી 2015-16ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તેને અમલમાં મુકવો કે કેમ તે મામલે સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
ગુજરાતમાં નરેન્દ્ર મોદીના શાસનમાં ફરજિયાત મતદાન વિધેયક વિધાનસભામાં બહુમતિના જોરે પસાર કરવામાં આવ્યું હતું પરંતુ, પૂર્વ રાજ્યપાલ કમલા બેનિવાલે આ બીલમાં વાંધા રજુ કરી નાગરિકોના અધિકારોનું હનન ગણાવી તેને નામંજૂર કર્યુ હતું. આ સમયે ભાજપે રાજ્યપાલ અને રાજભવનને કોંગ્રેસના હેડ ક્વાર્ટર તેમજ કોંગ્રેસના એજન્ટ ગણાવ્યા હતા. કેન્દ્રમાં સત્તા પરિવર્તન થયું અને એનડીએ શાસિત સરકારે ગુજરાતમાં નવા રાજ્યપાલ ઓ.પી. કોહલીને નિયુક્ત કર્યા. 2009ના વર્ષમાં રાજ્ય ચૂંટણી પંચે ફરજિયાત મતદાન માટે કાયદો ધડવાની જે સલાહ આપી તે આ વર્ષે કાયદામાં તો પરિવર્તિત કરવામાં આવી પરંતું હવે તેને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અમલમાં મુકવા મામલે સરકાર દ્વિધામાં જોવા મળી રહી છે.
રાજ્ય સરકાર જો આ કાયદાને અમલમાં મુકે તો જે અલ્પ સ્ટાફમાં વહિવટીતંત્ર ચાલી રહ્યું છે તેમની કામગીરીમાં વધારો થઈ શકે છે. મામલતદાર, ડે. કલેક્ટરો અને કલેક્ટરોની કામગીરીનું ભારણ વધી શકે છે. જે ફરજિયાત મતદાન ન કરે તેમને આરોપી ગણીને કાર્યવાહી સહીતની જવાબદારી જે તે સ્થાનિક મામલતદાર ઉપર વધી શકે છે. જો આ કાયદો સંપૂર્ણ રીતે લાગુ કરી દેવામાં આવે તો મતદાનની નિશ્ચિત કરેલી સમય મર્યાદામાં વધારો કરવાની પણ જરૂર પડી શકે છે.
આ કાયદાને લાવવાની રાજ્ય ચૂંટણી પંચે ભલામણ કરી અને તે માટે રાજ્ય સરકારે નાગરિકોના મંતવ્યો લેવાનું નાટક પણ કર્યું પરંતુ, વાસ્તવિક રીતે નાગરિકોના વાંધા સૂચનોને અવગણીને સરકારે રાજ્યપાલ પાસે બીલ તો પસાર કરાવી દીધું પરંતુ હવે, સલાહ આપનાર રાજ્ય ચૂંટણી પંચ અને બીલ પસાર કરાવવા રાજ્યપાલ પર માછલાં ધોતી સરકાર પાછી પાની કરી રહી છે. રાજ્યની વર્તમાન ભાજપ સરકારને રહી રહીને બ્રહ્મજ્ઞાન થયું કે, આ કાયદામાં રહેલી જોગવાઈઓની કેટલીક દુરોગામી અસરો પણ થઈ શકે છે. રાજ્યના પ્રધાનમંડળના કેટલાય સભ્યો અને વહિવટી અધિકારીઓ પણ આ કાયદાના અમલની વિરુદ્ઘ હોવાનું જાણવા મળે છે.
આ કાયદાને અમલમાં મુકવો કે કેમ તે અંગે અસમંજસમાં મુકાયેલી રાજ્ય સરકારે તાત્કાલિક પ્રધાનમંડળની બેઠક બોલાવી સલાહ મસલત કરી હતી. જે બેઠકમાં પ્રધાનમંડળના સદસ્યો તેમજ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પણ ફરજિયાત મતદાન અંગે વિરોધી સૂર હોવાનું જાણવા મળ્યું હતું.
આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણીઓ અગાઉ લોકોમાં આ ફરજિયાત મતદાન કાયદાનો વિરોધ જોવા મળી રહ્યો છે. દેશના બંધારણે નાગરિકોને મતદાનનો અધિકાર આપ્યો છે ત્યારે, તેને ફરજિયાતના નામે થોપી શકાય નહી, તેવો સૂર આમ જનતામાં જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ સરકાર પણ બચાવની સ્થિતિમાં આવીને રાજ્ય ચૂંટણીપંચે રજુ કરેલા વાંધાઓ દૂર કરવાની કવાયતમાં હોવાનું જોવા મળી રહ્યું છે.
રાજ્યમાં મતદારયાદીઓમાં પણ ભુલો છે. કેટલાય મતદારોના નામે પોતાના મત વિસ્તારોમાંથી બાકાત થવાના, તેમજ યોગ્ય વય થવા છતાં મતદાર યાદીમાં નામ દાખલ કરવા. તેમને ચૂંટણીકાર્ડ આપવા જેવી પાયાની બાબતો પૂર્ણ કરવામાં તંત્ર હજુ સફળ થયું નથી. ત્યારે આ ફરજિયાત મતદાનને જો આગામી ચૂંટણીઓમાં અમલમાં મુકવામાં રાજ્ય સરકાર કેટલી સફળ થાય છે અને તેના શું પ્રત્યાઘાતો પડે છે તે જોવું રહ્યું.