Thursday 18 September 2014

દેશમાં સામાજિક સમ્માન આંદોલન ક્યારે થશે અને કેમ આવશ્યક છે ?

રાજકીય પરીભાષાથી થોડા ઉપર જઈને એક સામાજિક દ્રષ્ટીભાવથી દેશના ઉત્થાન માટે જોવુ આજના રાજકીય વાતાવરણમાં અશક્ય છે. વર્તમાન રાજનિતિ દરેક પરીબળને કે ઘટનાને રાજકીય દ્રષ્ટીકોણથી નિહાળે છે. ત્યારે સમાજમાં રહેલા કેટલાય અનિષ્ટ તત્વો, કુરીવાજો, સામાજિક વિસમતાઓ, અન્યાય અને અંધ વિશ્વાસ જેવા સંવેદનશીલ બદીઓ દૂર કરવાની હિંમત કોઈ કરતું નથી.
આજે દેશમાં અન્યાય અને અત્યાચાર સર્વત્ર ફેલાયેલા છે અને તેને શિષ્ટાચાર અને સંસ્કારનો આગવો સિમ્બોલ આપવામાં આવ્યો છે. મહિલાઓનું શોષણ પુરુષો દ્વારા કરવામાં આવે છે તો બાળકોનું શોષણ સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે. સામાજિક ભેદભાવ તો ચરમસીમા પર જોવા મળે છે. કહેવાતા સ્વર્ણ અને ઉચ્ચ વર્ગે દલિત અને શોષિત સમાજ પર અપાર અત્યાચાર ગુજાર્યા છે. આ વર્ગે સાચો વિકાસ અને સ્વાભિમાનનો અધિકારી છે જે હજુ પૂર્ણતઃ પ્રાપ્ત થયો નથી.
દલિત અને શોષિત સમાજ શિક્ષિત છે પણ રોજગારીમાં હજુ પણ તેમને અન્યાય થાય છે, સરકારી નોકરીમાં પણ તેમને ફક્ત અનામતના આધારે લેવામાં આવે છે, બાકી અન્યમાં તેમની પસંદગી બહુ જૂજ પ્રમાણમાં કરવામાં આવે છે. સહકારી ક્ષેત્ર અને કોર્પોરેટ ક્ષેત્ર પર હાવી ઉચ્ચ સમાજ આ નિમ્ન વર્ગના લોકોને નોકરી પર રાખતાં હિંચકાય છે અને જ્ઞાતિવાદી સમીકરણો જ્યાં સુધી આ દેશમાં ચાલે છે, ત્યારે આપણું ભાવિ કેટલુ ઉજળુ હશે તે એક યક્ષ પ્રશ્ન છે.
આ પુરાતન જાતિ પ્રથા અને જ્ઞાતિ પ્રથાએ આપણા બૃહદ ભારતનું કાસળ કાઢી નાખ્યુ છે, વર્ષોથી આ દેશમાં ગરીબ અને સામાજિક પછાત જાતિની ઓળખ ધરાવીને જિવતી પ્રજાતિ આ દેશની મૂળ નિવાસી છે. જે આજે પણ સામાજિક હક્ક અને સમ્માનની અધિકારી છે જે કહેવાતા સ્વર્ણ વર્ગે ઝૂંટવી લીધો છે.
દેશ 15મી ઓગસ્ટે અંગ્રેજોની ચૂંગાલમાંથી મુક્ત બન્યો તો 15મી ઓગસ્ટને સ્વતંત્ર્યતા દિવસ તરીકે મનાવી છીએ તો દલિત,શોષિત અને આદિવાસી જેવા સામાજિક વર્ગો હજુ પણ પોતાના સામાજિક હક્કોથી જો વંચિત હોય તો તેમને ક્યારે આઝાદી મળશે ?? એકવીસમી સદીમાં ચાલી રહેલી આ દુનિયા અને મહાસત્તાઓના સ્વપ્નો બતાવી યુવાઓને ગેરમાર્ગે દોરનારી આજની ભ્રષ્ટ રાજનિતિ આ સંવેદનશિલ મુદ્દાને કેમ અવગણી રહી છે ?? ફક્ત રાજનિતિને જ ધ્યાનમાં રાખીને દરેક નિર્ણય લેવાનો હોય તો નથી જોઈતી આ આઝાદી.
આજે પણ મારા દાદા અને વડીલો પોતાનો યુવા વયના સંસ્મરણો યાદ કરતા કહે છે કે, આ કરતાં અંગ્રેજી શાસન પ્રથા સારી હતી. હા, એ કંઈક અંશે ખોટા હશે પરંતું તેમને કંઈક તો ગમ્યુ હશે ને જે આજે નથી. 
દલિત શોષિત અને આદિવાસી સમાજનો આ દેશની સંપત્તિ પર પહેલો અને આગવો અધિકાર છે. કોઈ ધર્મ મહાન નથી આપણું સ્વમાન અને સામાજિક સ્મન્વય મહત્વનો છે. તમારા બાળકો અને આવનારી પેઢીઓ તમારો વારસો બુલંદ બનાવે તે રીતે તૈયાર કરવાની જવાબદારી તમારા શીરે છે. જો તમે માનતા હો કે તમારા બાળકો તમારાથી મહાન બને તો જ તમને જીવવાનો હક્ક છે અન્યથા તમે અને પશુમાં કોઈ તફાવત નથી. જૂનું એ સોનું છે તેવી માન્યતા ભુલી જાઓ, જો જુનું એ સોનું છે એ બધેજ સાચુ માનીયે તો પરીવર્તનને અવકાશ નથી. સામાજિક સંઘર્ષ અને રાજકીય કુનેહ કેળવો.
માનવતા અને કરુણાથી કોઈ ધર્મ મહાન નથી. આજે જ્યારે ભુતકાળમાં ડોકીયું કરીયે તો માનવતાથી ભરપુર પાત્રોએ શિષ્ટાચાર અને પ્રણાલિકાઓના નામે પછાત વર્ગોનું ભરપુર શોષણ કર્યુ છે. હવે તેમાંથી જાગવાનો અને જેહાદનો સમય છે. વર્તમાન રાજકીય સ્થિતિ પર ભરોસો રાખીને કોઈ પરીણામ આવશે નહી, જ્ઞાતિવાદ,ધર્મવાદ,પ્રાંતવાદને પોષનારી રાજકીય સ્થિતિને સુધારવા એક નવી ક્રાંતિની જરૂર છે અને તે છે સામાજિક સમ્માન.માનુષી અત્યાચાર સામે લડવા ચાલો કદમ ઉપાડીયે એક સુવર્ણ ભારતનું નિર્માણ કરીએ...

No comments:

Post a Comment

thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.