Sunday 19 October 2014

વિધાનસભા જંગઃ હરીયાણામાં ભાજપને જનાદેશ તો મહારાષ્ટ્રમાં કોકડું ગુચવાયું


 મહારાષ્ટ્ર અને હરીયાણાની વિધાનસભા ચૂંટણી જંગના પરીણામો આવી જતાં જનાદેશ સપષ્ટ થઈ ગયો છે. બંન્ને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે જ્યારે કોંગ્રેસની કારમી હાર થવા પામી છે. જોકે, હરીયાણામાં ભાજપને સપષ્ટ બહુમતિ મળી છે જ્યારે મહારાષ્ટ્રની જનતાએ કોઈ પક્ષને બહુમતિ ન આપતાં પુનઃ ગઠબંધન સરકારની સ્થિતિ ઉભી થઈ છે.

લોકસભાની સામાન્ય ચૂંટણીઓ બાદ બંન્ને રાજ્યોમાં સામાન્ય ચૂંટણીઓ આવી હોવાથી સમગ્ર દેશની નજર આ બંન્ને રાજ્યોના જનાદેશ પર હતી. ખુબ રસાકસી પૂર્ણ અને ગઠબંધન વગર સ્વતંત્ર રીતે લડાયેલ આ ચૂંટણીમાં ભાજપને મહારાષ્ટ્ર અને હરીયાણામાં સફળતા મળી છે. હરીયાણામાં ભાજપે પ્રથમ વખત એકલા હાથે ચૂંટણી લડી બહુમતિ મેળવી છે જ્યારે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ભંગાણ થતાં એકલા હાથે ચૂંટણી લડી હતી જેમાં ભાજપને પૂર્ણ બહુમતિ મળી નથી પરંતું સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે.
ભાજપે જીતનો સીલસીલો જાળવી રાખતાં કાર્યકરોમાં ઉત્સાહ છવાઈ ગયો હતો અને ઠેરઠેર ફટાકડા ફોડીને તેમજ મિઠાઈઓ વહેચીને દિવાળીનો જશ્ન મનાવ્યો હતો.ભાજપે જનાદેશ આપવા બદલ બંન્ને રાજ્યની જનતાનો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ જીતને મોદીની લહેર તેમજ ભાજપ અધ્યક્ષ અમિત શાહની મહેનતની આભારી ગણાવી હતી. કોંગ્રેસ,એનસીપી સહીત અન્ય પક્ષોએ પણ આ જનાદેશનો સ્વિકાર કર્યો હતો.
ભાજપ સંસદીય દળની બેઠકમાં મહારાષ્ટ્ર અને હરીયાણામાં સરકારની રચના અંગે નિર્ણય લેવામાં આવશે તેમ બીજેપી અધ્યક્ષ અમિત શાહે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.
*રાજ્યવાર બેઠકોનું ચિત્ર આ મુજબ છેઃ
*હરીયાણા-
હરીયાણામાં 90 બેઠકોમાંથી ભાજપને 47 બેઠકો પ્રાપ્ત થઈ છે જ્યારે ઈન્ડિયન નેશનલ લોક દળને 19 બેઠકો, કોંગ્રેસ પક્ષને 15 બેઠકો સાથે ત્રીજા સ્થાને, જનહિત કોંગ્રેસને 2 બેઠકો મળી છે તેમજ અન્યને 20 બેઠકો મળવા પામી છે.
*મહારાષ્ટ્ર-
મહારાષ્ટ્રની વિધાનસભામાં 288 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં કોઈ એક પક્ષને સપષ્ટ બહુમતિ ન મળતાં ગઠબંધન સરકારની સ્થિતિ ઉભી થઈ છે. રાજ્યમાં 122 બેઠકો સાથે ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે, જ્યારે શિવસેના 60 બેઠકો સાથે દ્વિતિય નંબરે ઉભરી આવ્યું છે. કોંગ્રેસ અને એનસીપી અનુક્રમે 42 અને 41 બેઠકો મેળવી છે.જ્યારે અન્ય પક્ષોને ફાળે 20 બેઠકો ગઈ છે. ભાજપે અન્ય સ્થાનિક પક્ષો સાથે ગઠબંધન કર્યું હતું.જે સંયુક્ત પક્ષોના ફાળે 122 બેઠકો મળી છે.

No comments:

Post a Comment

thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.