Thursday 14 May 2015

વીજ ઉત્પાદનમાં ગુજરાત સરપ્લસ સ્ટેટ, 7 હજાર મેગા વોટ વિદ્યુત ઉત્પાદન

વીજળી ઉત્પાદિત રાજ્યોમાં ગુજરાતની ગણના કરી શકાય છે. રાજ્યને વીજ ઉત્પાદન ક્ષમતાની દ્રષ્ટીએ સરપ્લસ સ્ટેટ કહેવામાં આવે છે. રાજ્યમાં રાજ્ય સરકાર ઈલેક્ટ્રીસિટી કંપની લિમીટેડ હસ્તકના નવ વીજ ઉત્પાદન મથકો આવેલા છે જ્યારે સરકારી ક્ષેત્રના (આઈપીપી) સ્વતંત્ર વીજ ઉત્પાદન મથકો રાજ્યમાં છ જગ્યાઓ પર આવેલા છે. જે વીજ મથકોની ઉત્પાદન ક્ષમતા પણ સાત હજારથી વધુ મેગા વોટની છે.
 
રાજ્યના સર્વાંગી વિકાસ માટે તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ શક્તિઓને ધ્યાનમાં રાખી એક કેન્દ્રીત વિષયવસ્તુની કલ્પના કરી હતી. જેમાં જન શક્તિ, જળ શક્તિ, ઉર્જા શક્તિ, જ્ઞાન શક્તિ અને રક્ષા શક્તિની પરિકલ્પના કરવામાં આવી છે. આ પંચ તત્વોમાં ઉર્જા શક્તિના મહત્વને આધારભૂત બનાવવા રાજ્ય સરકારે પ્રયત્નો પણ કર્યા હતા. ગુજરાતના તમામ પરીવારોને વીજળીનો પૂરવઠો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તેમજ સુનિશ્ચિત કરેલ વીજ ઉત્પાદકતા કેળવાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે અને સતત કાર્યરત્ પણ છે. રાજ્યમાં વીજ વિતરણ પ્રણાલીને વિભાજિત કરવામાં આવી છે. યુજીવીસીએ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ તેમજ ટોરેન્ટો પાવર કંપનીઓ રાજ્યમાં વીજ વિતરણ કરે છે. વીજળીની બાબતમાં રાજ્ય સ્વ નિર્ભર હોવા છતાં ઉત્પાદિત વીજ મથકોને કેટલાક ટેક્નિકલી કારણોથી બંધ રાખવા ઉપરાંત કોલસાની તંગી તેમજ અપુરતા પૂરવઠાને કારણે રાજ્યને ખાનગી ક્ષેત્રના વીજ ઉત્પાદન મથકો પાસેથી વીજળી ખરીદવી પડે છે.

ગુજરાતમાં ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસિટી લિ. નવ વીજ મથકો વિદ્યુત ઉત્પાદિત કરે છે. આ વીજ મથકોમાં ઉકાઈ ખાતે  થર્મલ પાવર પ્લાન્ટ આવેલો છે જે પાવર પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 1350 મેગાવોટ છે. ગાંધીનગરમાં આવેલા થર્મલ પાવર પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા 31 ડિસેમ્બર 2014ની સ્થિતિ મુજબ 870 મેગાવોટ જોવા મળી છે. વણાકબોરીમાં આવેલા થર્મલ પાવર પ્લાન્ટની વીજ ઉત્પાદન ક્ષમતા રાજ્યના અન્ય પાવર પ્લાન્ટોની તુલનામાં સૌથી વધુ 1470 મેગાવોટ નોંધાઈ છે. આ ઉપરાંત કચ્છમાં લિગ્નાઈટ પાવર પ્લાન્ટ, ધુવારણમાં ગેસ પાવર પ્લાન્ટ, સિક્કામાં આવેલો થર્મલ પાવર પ્લાન્ટ, ઉકાઈ ડેમ પર તેમજ કડાણા અને પાનમ ડેમ પર આવેલ હાઈડ્રો પાવર પ્લાન્ટ વિદ્યુત ઉત્પાદનના મહત્વના વીજ મથકો ગણાય છે. આ તમામ નવ જેટલા પાવર પ્લાન્ટોની ઉત્પાદન ક્ષમતા 31 ડિસેમ્બર 2014ની સ્થિતિએ વાર્ષિક 5496 મેગા વોટ વીજળી ઉત્પાદિત થાય છે.

આ ઉપરાંત સરકારી ક્ષેત્રના સ્વતંત્ર વીજ ઉત્પાદન (આઈપીપી) મથકોમાં હજીરામાં આવેલી ગુજરાત સ્ટેટ એનર્જી જનરેશન કંપની લિ., ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિ.( સ્ટેજ-1,2 અને એસએલપીપી), ગુજરાત મીનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને પીપાવાવ સ્થિત જી.પી.પી.સી પાવર પ્રોજેક્ટમાં આ છ સરકારી ક્ષેત્રના વીજ મથકોની ઉત્પાદન ક્ષમતા વર્ષ 2013માં 1567 મેગાવોટ હતી જે વધીને 2014ના વર્ષ દરમ્યાન  2269 મેગાવોટ નોંધાઈ છે. આ રીતે સરકારી ક્ષેત્રના વીજ મથકોમાં પીપાવાવના જી.પી.પી.સી પાવર પ્રોજેક્ટની વીજ ઉત્પાદન ક્ષમતા વર્ષ 2013માં નહોતી તે 2014માં 702 મેગાવોટ નોંધાઈ છે.
રાજ્યમાં વીજળીની જરૂરીયાત વાર્ષિક 13હજારથી 14 હજાર મેગાવોટની છે તેની સામે રાજ્યના પોતાની માલિકીના વીજ ઉત્પાદન મથકોની ઉત્પાદિત ક્ષમતા 7765 મેગાવોટની હોવાથી બાકીની ઘટ પડતી વીજળી રાજ્યમાં આવેલા ખાનગી વીજ ઉત્પાદિત ગૃહો પાસેથી ખરીદવી પડે છે. રાજ્યમાં આવેલા ખાનગી વીજ ઉત્પાદિત મથકોની વીજ ઉત્પાદન ક્ષમતા 15000 મેગાવોટની છે. આ વીજ ઉત્પાદિત ગૃહો રાજ્ય સરકાર ઉપરાંત અન્ય સેક્ટરો અને રાજ્યોને વીજળી વેચે છે.

રાજ્ય સરકાર હસ્તકના પાવર ઉત્પાદન મથકો રાજ્યમાં વીજની માંગ પુરી કરી શકતા નથી. આ વીજ અછતની પુરતી માટે ખાનગી વીજ મથકો પર મદાર રાખવાનો થાય છે. આ વીજ ખરીદી અંગે રાજ્ય સરકારે કરેલા કરારો મુજબ એસ્સાર પાવર લિમીટેડ, એસ્સાર પાવર ગુજરાત લિમીટેડ, ચાઈના લાઈટ એન્ડ પાવર ઈન્ડીયા પ્રાઈવેટ લિમીટેડ, અદાણી પાવર લિમીટેડ, એ.સી.બી(ઈન્ડીયા) લિ, કોસ્ટલ ગુજરાત પાવર કંપની લિમીટેડ, કેપ્ટીવ પાવર પ્લાન્ટસ્ પાસેથી વીજળી ખરીદવામાં આવે છે.
 31મી ડિસેમ્બર 2014ની સ્થિતિએ રાજ્ય સરકાર સૌથી વધુ વિજળી અદાણી પાવર લિમીટેડ પાસેથી ખરીદે છે. જેના ભાવ 2.64/ યુનિટ છે. આ ભાવ ગત્ 2013ના વર્ષમાં 2.88 નિયત કરેલા હતા. આ રીતે ચાઈના લાઈટ એન્ડ પાવર ઈન્ડીયા પ્રાઈવેટ લિ. પાસેથી 4.40 રૂપીયા/યુનિટના મોઘા ભાવે વીજળી ખરીદવામાં આવે છે.

ગુજરાત દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ટોચના વીજ ઉત્પાદિત રાજ્યોમાં ગણાય છે. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ગુજરાત દેશમાં સૌથી વધું વિદ્યુત ઉત્પાદન કરતાં રાજ્યો છે. દેશમાં ખાનગી ક્ષેત્રની વીજ ઉત્પાદિત કંપનીઓ સૌથી વધુ વીજળી ગુજરાતમાં ઉત્પાદિત કરે છે. રાજ્ય સરકારની ઉદ્યોગવિષયક નીતિઓ અને રોકાણ પ્રોત્શાહિત સરકારી પોલિસીના કારણે ખાનગી ક્ષેત્રનો વ્યાપ રાજ્યમાં ઉતરોત્તર વધતો જાય છે. આ કારણે વર્ષો પહેલાં ગુજરાતમાં જે વીજ ખાદ્ય રહેતી હતી તે હવે વીજ સરપ્લસ સ્ટેટ બની ગયું છે.

No comments:

Post a Comment

thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.