Thursday 13 April 2017

ગુલામીનો નવો અધ્યાય શરૂઃ આંબેડકરના હત્યારા આપણે બાંધવ...

ભારતીય ઇતિહાસમાં સામાજિક અસમાનતાની લાંબી લડાઇના અંતે એક મુક્કમલ તખ્તા સુધી પહોચવામાં આંબેડકર એક માત્ર નામ છે જે, ભારતીય સમાજ વ્યવસ્થાને બદલવામાં ઘણા અંશે સફળ રહ્યા. આંબેડકરના વિચારો તત્કાલિન નેતાઓથી ઘણા અદ્યતન હતા. તેઓ એ વખતના સફળ સમાજશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, રાજકીય મુત્સદી અને કાયદાવિદ્ હતા. આંબેડકરે સમાજના શોષિત, વંચિત સમુદાય માટે લાંબો સંઘર્ષ કરીને તેમને સામાજિક અને રાજકીય હક્ક આપવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે.
આંબેડકર આજીવન મૂર્તિપૂજા અને ધાર્મિક ક્રિયાકાંડોના વિરોધી હતા.. જ્યારે, આજે અનેક જગ્યાએ આંબેડકરની પ્રતિમાઓની પૂજા કરવામાં આવી રહી છે.. દૂધના અભિષેક કરવામાં આવે છે.. ભજન સત્સંગ અને જાગરણ કરવામાં આવે છે અને મહાપ્રસાદના વિતરણ કરવામાં આવે છે. આ એક અસલી રણનીતિ મુજબ આંબેડકરને ભગવાન તરીકે નિર્દેશિત કરવામાં આવી રહ્યા છે.. કહેવાતા આંબેડકરવાદીઓ તેમના મિશનને ભુલીને આંબેડકરની આરતી-પૂજાપાઠ કરવામાં લાગી ગયા છે. આંબેડકર જયંતિ અને પૂણ્યતિથિ નિમિત્તે આંબેડકરવાદીઓનું ઘોડાપૂર ઉમટી પડે છે અને વચ્ચેના દિવસોમાં આ પ્રજાતિ લુપ્ત થઇ જાય છે.
આંબેડકર એક મહાત્મા પણ નહોતા કારણ કે, તે ઉપદેશ નહિ પણ નક્કર પરિણામ આપવાના મતના વ્યક્તિ હતા. જે વ્યક્તિ આજીવન એક સક્ષમ વિચારધારાને ચરીતાર્થ કરવા માટે પોતાનું જીવન વ્યતિત કર્યુ તેને વિચારધારાની વિરુદ્ધ નવાજવામાં આવે, જેણે મરતાં પહેલાં ભગવાન ન હોવાનું અને તેની પૂજા અર્ચના ન કરતો હોવાનું જાહેર કર્યુ તેને આજે પૂજવામાં આવે તેનાથી મોટી અનુયાયીઓની ગુલામી શું હોઇ શકે?
જે સમાજ આજે પણ ઘણાં અંશે સામાજિક બહિષ્કૃત છે.. સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધ્યુ છે પરંતું, શિક્ષણને આત્મસાત કરવાની તાકાત નથી. આ વર્ગ એટલે માત્ર દલિતો જ નથી. સામાજિક રીતે દબાયેલો એ તમામ વર્ગ કે વ્યક્તિઓ છે જે ધાર્મિક કુંઠીતાની ગુલામીમાં જકડાયેલો છે અને ગુલામીની ઝંઝીર તોડવાનું સામર્થ્ય પણ ધરાવતો નથી.
આંબેડકર તત્કાલિન નેતાઓ કરતાં ઘણી રીતે અલગ હતા, તેમની લડાઇ વૈચારિક અને તાર્કિક હતી જ્યારે અન્ય નેતાઓ મહાત્માઓને અનુસરતા હતા. તેમણે પોતાના મિશનને આગળ ઘપાવવામાં અનેક કષ્ટ અને વિકટ પરીસ્થિતિનો સામનો કર્યો છે અને શોષિત અને હકોથી વંચિત સમુદાયને સ્વમાનવભેરની જીંદગી આપવામાં સફળ રહ્યા છે.
આજે આંબેડકરની વિચારધારા સમક્ષ મોટો પડકાર છે. આ પડકાર કહેવાતા આંબેડકરવાદીઓ અને આંબેડકરવાદી વિચારધારાના પ્રખર વિરોધીઓથી જ છે. આંબેડકર વૈશ્વિક ઓળખ અને બૃહદ્દ વ્યક્તિત્વ ધરાવતા હતા. સામાજિક ઉત્થાન, સામાજિક સમરસતા અને સમાજિક સંઘર્ષ થકી સ્વાભિમાનની વૈચારિક લડાઇ તેમજ મહિલાઓના ઉત્થાન માટે પણ તેમણે અથાક પ્રયાસ કર્યા છે.. પ્રખર અર્થશાસ્ત્રી તરીકે તેમના અનેક સિદ્ધાંત વર્તમાન આર્થિક વ્યવસ્થા માટે દિવાદાંડી સમાન છે. પરંતુ, આજે આંબેડકરવાદીઓ તેમને માત્ર દલિત હિતચિંતક ચિતરવામાં પડ્યા છે અને આરક્ષણના દાતા ગણી રહ્યા છે. જ્યારે, વિરોધિઓ દલિતોને આંબેડકરી મિશનથી દુર કરવામાં અનેક હાથકંડાઓ અપનાવી રહ્યા છે.
જન્મદત્ત ગુલામીની માનસિકતા ધરાવતાં લોકો આંબેડકરની વિચારધારાને સમજ્યા કે અપનાવ્યા વગર ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે. આંબેડકર પ્રત્યેનો ભક્તિભાવ વિચારધારા વગરનો અને ખોખલો છે.. આ ભાવ જ્યાં સુધી સમાજમાં વ્યાપ્ત છે ત્યાં સુધી નવી ક્રાંતિને કોઇ અવકાશ નથી. ગુલામી કરવાનો આપને બંધારણીય અધિકાર હોઇ શકે, પણ જે વ્યક્તિ આ દંભ અને વિચારધારાનો વિરોધી હોય તેના સન્માનમાં આ પ્રકારની બાલિશ હરકત બંધ કરી તેના વિચારોને વધારે આત્મસાત કરવાની આવશ્યકતા છે. 

No comments:

Post a Comment

thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.