Saturday 28 March 2015

ખેતીના વીજ કનેક્શન માટે 3.41 લાખ અરજીઓ પડતર

કૃષિપ્રધાન દેશમાં ગ્રામ્ય સમુદાય અને શહેરી સમુદાયનો 71% જેટલો વર્ગ ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. ખેતીમાં આધુનિકતા અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે, હરીતક્રાંતિ અને સિંચાઈ ક્ષેત્રે આધુનિકતા આવી છે. ખેડૂતોને સિંચાઈ માટે વિજળી અને ખાતર જેવી પાયાની જરૂરીયાતોની તંગી જોવા મળતી હોય છે.
ખેડૂતને તેના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ પણ મળતા નથી. રાજ્યના ખેડૂતોને કુદરતી આફતોથી થતા પાકના નુકસાનના વળતર આપવામાં પણ સરકાર ઠાગાઠૈયા કરતી જોવા મળે છે. જે સરકાર ઉદ્યોગપતિઓને કરોડો રૂપીયાની કર માફી કરતી હોય તે ખેડૂતો પ્રત્યે કેટલી સંવેદનશીલ હશે તેની માહિતી સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલા આંકડા પરથી સપષ્ટ તરી આવે છે.
રાજ્ય સરકાર પાસે ખેડૂતોએ ખેતી માટે વીજ કનેક્શન મેળવવા કરેલી અરજીઓમાંથી 67% અરજીઓ પડતર છે અને તેનો નિકાલ કરવામાં આવ્યો નથી. તંત્ર પાસે 5,08,540 જેટલી અરજીઓ વીજ જોડાણ માટે આવી હતી. આ અરજીઓમાંથી માત્ર 1,67,699 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. ખેડૂતોએ કરેલી અરજીઓમાંથી માત્ર 32.97% અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર ખેડૂતો પ્રત્યે કેટલી સંવેદનહીન છે તે સરકારે રજુ કરેલી માહિતી પરથી જોઈ શકાય છે. રાજ્ય સરકાર પાસે છેલ્લા પાંચ વર્ષના સમયમાં તમામ જિલ્લાઓની છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન આવેલી 5,08,540 નવા વીજ જોડાણ માટેની અરજીઓ ખેતી માટે આવી છે. આ અરજીઓમાં બનાસકાંઠા જિલ્લામાંથી 50481 અરજીઓ જ્યારે રાજકોટમાં 39188 અને જૂનાગઢમાં 37626 અરજીઓ નોંધાવા પામી છે.
આ પાંચ વર્ષમાં નોંધાયેલ અરજીઓ પૈકી સરકારે માત્ર 1,67,699 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. આ નિકાલ કરેલી અરજીઓમાં મહદ્દ અરજદારોને જ વીજ મીટરો ફાળવાયા છે, જ્યારે મોટા ભાગની અરજીઓને ટેકનિક્લી રદ્દ કરવામાં આવી છે. બનાસકાંઠાની 50481 અરજીઓમાંથી 40871 અરજીઓ વર્તમાનમાં પડતર છે. છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન માત્ર 7614 અરજદારોને વીજ મીટરો ફાળવવામાં આવ્યા છે. આ રીતે રાજકોટમાં પણ 39188 અરજીઓની સામે 6622 અરજદારોને વીજ મીટર આપવામાં આવ્યા છે અને 32566 અરજીઓ પડતર માંગણી હેઠળ છે.
આમ, સમગ્ર રાજ્યમાં આ સ્થિતિ પ્રવર્તિ રહી છે. રાજ્યમાં ખેડૂતોના ઉત્થાન માટે પોકળ દાવા કરનાર સરકાર સિંચાઈ માટે વીજ મીટરો ફાળવવા ગંભીર નથી જ્યારે ઉદ્યોગપતિઓને જમીન, વીજળી, આર્થિક સહાય આપવામાં કોઈ છોછ અનુભવતી નથી. રાજ્યમાં અગાઉ ડાર્ક ઝોનના નામે વર્ષો સુધી સિંચાઈ સવલતોથી ખેડૂતોને દુર રાખ્યા બાદ જ્યારે હવે સંપૂર્ણ રાજ્યમાંથી ડાર્કઝોન હટાવી લેવામાં આવ્યો છે તેમ છતાં ખેડૂતોને સિંચાઈની સુવિદ્યામાં મહત્વની જરૂરીયાત વીજળીની સમસ્યા ક્યારે દુર કરાશે? રાજ્યનો ખેડૂત ક્યારે આર્થિક સદ્ધર બનશે? ખેડૂતને આત્મહત્યા કરતાં કોણ રોકશે? આ તમામ સવાલોના જવાબ તો સરકાર પાસે હશે પણ શું નક્કર કામગીરી કરશે ખરી?

No comments:

Post a Comment

thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.