Monday 25 May 2015

માંડવાને બદલે મેડિકલ કેમ્પ, ડૉક્ટર દંપત્તિએ સેવા કરી લગ્ન જીવનમાં કર્યો પ્રવેશ

દીકરી એટલે લક્ષ્મીનો અવતાર.. આજના સમયમાં કોઈના ઘરમાં દીકરી જન્મે એટલે લક્ષ્મી જન્મી કહેવાય. આ લક્ષ્મીરૂપી દીકરી જન્મે છે, ત્યારથી જ તેના પિતાની ચિંતા પણ વધી જાય છે. દરેક પિતાની પોતાની દીકરીના જન્મ બાદ એક જ ચિંતા હોય છે કે, તેને ભણાવી ગણાવીને એક સારો છોકરો જોઈને સાસરે વળાવવી. આજે સમાજમાં દેખાદેખી અને દુર્ગુણોના કારણે કેટલાક કુરિવાજો સમાજમાં સડાની માફક ઘુસી ગયા છે. આવા કુંઠીત રીવાજોની વચ્ચે સમાજમાં લગ્ન પ્રસંગને નવી દિશા આપી લોક સેવા કરવાની નવી પહેલનો પ્રસંગ ઊંઝામાં થવા પામ્યો છે.

મહેસાણા જિલ્લાના ઊંઝામાં જીરું તેમજ વરીયાળીનો વ્યવસાય કરતાં પારસભાઈ શાહની દીકરી ઋતુના લગ્ન અમદાવાદમાં વસતાં એક ડૉક્ટર પરિવારમાં નક્કી થયા. પારસભાઈની દીકરી ઋતુએ પોતાના લગ્ન પાછળ કરાતાં ઝાકમઝોળ ખર્ચને લોક સેવા માટે ઉપયોગ કરવા અને સાદાઈથી લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પારસભાઈએ પોતાની દીકરીની ઈચ્છા મુજબ ડૉક્ટર દીકરી અને ડૉક્ટર જમાઈની સાથે ચર્ચા કરીને તેમની ઈચ્છા મુજબ ઊંઝામાં જ એક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કર્યુ હતું. પોતાના લગ્નમાં મહેંદી અને રાસ ગરબામાં ખર્ચ કરવાને બદલે ડૉ.ઋતુએ ઊંઝાના જરૂરિયાતમંદ દર્દીઓની સેવા કરી તેમના આશિર્વાદ સાથે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની નવી પહેલ કરતાં પરિવાર અને સંબંધીઓ સહિત લોકોમાં આનંદનો માહોલ સર્જાયો હતો.

ડૉ.ઋતુએ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, હું ખુબ જ ખુશ છું, આ મારું પહેલેથી જ સપનું હતું કે મારા લગ્નનો પ્રસંગ ન ઉજવાય તેનો મને કોઈ વાંધો નથી, પરંતુ મારા કારણે આટલા બધા દર્દીઓને રાહત મળી, તે મારા માટે સૌભાગ્યની વાત છે. હું મારી જાતને નસીબદાર માનું છું કે, મારા લગ્ન પ્રસંગને રદ કરીને દર્દીઓની સેવા કરવાનો કિસ્સો ઊંઝામાં પ્રથમવાર બન્યો હશે. બીજા લોકો પણ આમાંથી પ્રેરણા લેશે.

ઋતુના પતિ ડૉ.સુજયે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આજે મારા લગ્ન પ્રસંગમાં દર્દીઓની સેવા કરવાથી હું ખુબ આનંદની લાગણી અનુભવું છું. હું એટલું જ કહેવા માંગીશ કે, લોકો પોતાના પરિવારમાં કોઈ પ્રસંગ વખતે કોઈ સેવા ન કરી શકે તો વાંધો નહિ પરંતુ, તે પ્રસંગ પહેલા થોડો ખર્ચ લોક સેવા માટે કરે તો પણ ઘણી મોટી વાત છે.

ડૉ.ઋતુના માતા-પિતા પારસભાઈ અને રીટાબેને વાતચીત કરતાં જણાવ્યું હતું કે, કોઇ પણ લગ્ન પ્રસંગમાં એક દિવસ માટે ખર્ચ કરવામાં આવે છે, આ દિવસે નાણાંનો ઘણો વેડફાટ થઈ જતો હોય છે. તેના બદલે આવું કંઈક સારું કામ કરવું જોઈએ. તેવા શુભાશય થી જ અમે, અમારી દીકરી ઋતુની ઈચ્છા મુજબ દર્દીઓની સેવા કરવાનું નક્કી કર્યું. જેથી આ સર્વ રોગ નિદાન કેમ્પ થકી મારી દીકરીને પણ દર્દીઓના આશીર્વાદ મળ્યા.

ડૉ. સુજયના પિતા ડૉ.ભરત શાહે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ એક યુનિક શરૂઆત છે, તેનાથી સમાજને એક નવો સંદેશ મળશે. લગ્નમાં એક દિવસ માટે લાખો રૂપીયાનો ખર્ચ કરવાને બદલે આ પ્રકારે સેવા કરવાથી જરૂરિયાતમંદોને ઘણો લાભ થશે. આ કેમ્પમાં અમે હૃદયના વાલ્વ બદલવા કે કમરના મણકાની તકલીફ હોય તેવી મોટી બીમારીના દર્દીઓને પણ ફ્રીમાં સારવાર કરવામાં આવશે.

ઊંઝામાં વસતા આ શાહ પરિવારે સમાજમાં એક નવો ચીલો ચીતર્યો છે અને જેના મારફતે લગ્ન પ્રસંગોમાં થતો મોટા ખર્ચનો વેડફાટ કરવાને બદલે કોઈ દર્દીને યોગ્ય સારવાર મળવાથી તેને નવી જિંદગી મળી શકે છે.

આજના સમયમાં લગ્નમાં ભભકાદાર અને દોમદોમ સાહ્યબીનો દેખાડો કરીને રૂપિયા વાપરવાની એક પ્રણાલી ઉભી થઈ ગઈ છે. એક લગ્ન પ્રસંગ કરવા પાછળ આજે લાખો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે. તેના કારણે પૈસાનો બિનજરૂરી વ્યય થઈ જાય છે. આ વ્યય અટકાવી તે પૈસાને સદ્ઉપયોગમાં વાપરવામાં આવે તો લગ્ન પ્રસંગની સાર્થકતા પણ જળવાઈ રહે અને સમાજના કલ્યાણમાં તે પૈસાનો પણ ઉપયોગ કરી શકાય.

Reported by- Manish Mishtry.

No comments:

Post a Comment

thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.