Tuesday 26 May 2015

કાંકરીયા ઝૂમાં પ્રાણીઓને ઠંડક આપવા વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ

ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીને કારણે લૂ લાગવાના અનેક બનાવો બને છે. ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. ધોમધમતા તાપથી બચવા લોકો પોતાના ઘરોમાં, પંખા, એરકૂલર, એરકન્ડીશનનો આશરો લેતા હોય છે. આ સમયે માનવી તો અદ્યતન સાધનો અને સુવિધાઓથી પોતાનો બચાવ કરી લે છે, પરંતુ, કાળઝાળ ગરમીના સમયમાં અબોલ જીવોની હાલત અત્યંત વિકટ અને દયનિય થઈ જતી હોય છે. ઉનાળાની ઋતુમાં અબોલ પ્રાણીઓની દયનિય હાલત વખતે કેટલાય પ્રાણીપ્રેમીઓ પશુઓ અને પંખીઓને બચાવવા કે ગરમીના પ્રકોપથી ઉગારવાના અવનવા પ્રયોગો કરતા હોય છે.
અમદાવાદમાં આવેલું કાંકરીયા પ્રાણી સંગ્રહાલય દેશભરમાં પ્રખ્યાત છે. આ પ્રાણી સંગ્રહાલયમાં દેશ વિદેશના કેટલાય પ્રાણીઓને રાખવામાં આવ્યા છે. ઉનાળાની અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને પ્રાણીઓને ખાસ સુવિધા પ્રદાન કરવામાં આવી છે. પ્રાણી સંગ્રહાલયના સત્તાવાળાઓ દ્વારા અલગ-અલગ પદ્ધતિનો ઉપયોગ કરીને કાળઝાળ ગરમીની સીઝનમાં ઠંડક આપવામાં આવે છે. પ્રાણીઓને ખાસ કરીને ખસની ટટ્ટીઓ, ગ્રીનનેટ, એર કુલર સહિતની સુવિધાઓ પ્રાણી સંગ્રહાલયમાં ઉભી કરવામાં આવી છે. ખસની ટટ્ટીઓ પર દિવસ દરમ્યાન ત્રણથી ચાર વખત પાણીનો છંટકાવ કરવામાં આવે છે, જેથી શિતળતાનો આહ્વલાદક અહેસાસ પ્રાણીઓ અને પશુઓને થઈ શકે.
ગ્રીનનેટની મદદથી સૂર્યમાંથી આવતાં ઇન્ફારેડ કિરણોની તીવ્રતા 7થી8 ટકા ઘટાડી શકાય છે. પ્રાણીઓ અને પક્ષીઓને સૂર્યના સીધા કિરણોનો તાપ ન મળે તે માટે પાંજરામાં ગ્રીનનેટ લગાવવામાં આવી છે. સિંહ, વાઘ, દીપડો, અજગર, સાપ તેમજ આંદામાન જેવા ઠંડા વિસ્તારના કબૂતરો માટે પાંજરામાં કુલરની સુવિધા ઉભી કરવામાં આવી છે. દેશભરના પ્રાણીઓ અને પક્ષીઓ રાખવામાં આવ્યા હોવાથી તેઓ ઠંડી, ગરમીની આબોહવા સહન શકે તે માટે સાનુકૂળ વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે.
અતિશય પડતી ગરમી સહન ન કરી શકતાં પાણી પ્રેમી પ્રાણીઓ રીંછ, હાથી, હિપોપોટેમસ, મગર માટે પાણીના કુંડ ભરવામાં આવે છે. હાથીને દિવસ દરમ્યાન શિતળ પાણીનો છંટકાવ કરવામાં આવે છે, તેમજ શેરડી ખવડાવવામાં આવે છે. વાંદરાઓને તડબુચ અને કેરી ખવડાવવામાં આવે છે. હરણના પીંજરામાં કાદવ-કીચડ બનાવવામાં આવે છે, તેથી સૂર્યની ગરમીની તીવ્રતા ઓછી થઈ જાય છે. હવામાનમાં ઠંડક જળવાઈ રહે તેમજ લૂથી બચી શકાય તે માટે માઈક્રો સ્પ્રિન્કલની મદદથી હવામાં પાણીનો છંટકાવ કરવામાં આવે છે.
सौजन्यः-परेशभाई(NIMCJ)

No comments:

Post a Comment

thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.