Friday 8 May 2015

કોના બાપની દિવાળીઃ ગુજરાત માથે 2.24 લાખ કરોડનું દેવું, કોના પાપે

દેશના ગ્રોથ એન્જિન બનવા માટે અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ સહિતના સ્વપ્નો સાકાર કરવા માટે હરણફાળ ભરી રહેલું ગુજરાત આગામી બે વર્ષમાં જ દેવાંના ડુંગળ તળે દટાઇ જશે તેવી સ્થિતિ છે. છેલ્લા કેટલાક વર્ષથી નાની બચતમાં ઘટતાં જતાં રોકાણો સામે ગુજરાતની જાહેર બજારમાંથી નાણાં ઉછીના લેવાની વધતી જતી માનસિકતાના કારણે માર્ચ, 2015ના અંત સુધીમાં જાહેર દેવું રૂ.1.65 લાખ કરોડ જેટલુ થાય એમ છે અને આ ટ્રેન્ડ યથાવત રહેશે તો 2017-18માં દેવાંનો આ આંક રૂ.2.24 લાખ કરોડને આંબી જાય તેવો અંદાજ રાજ્ય સરકારના દસ્તાવેજમાં અંદાજવામાં આવ્યો છે.
2008-09થી 2013-14ના ગાળામાં દેવાંના ઘટકમાં ફેરફાર થયો છે, જેમાં કેન્દ્ર સરકારની લોનનું પ્રમાણ 11.87 ટકાથી ઘટીને 5.22 ટકા થયું છે. તે જ પ્રમાણે નેશનલ સ્મોલ સેવિંગ ફંડ (એનએસએસએફ) લોનનો હિસ્સો 51.59 ટકાથી ઘટીને 32 ટકા થયો છે જ્યારે બજાર લોન હિસ્સો 32.20 ટકાથી વધીને 58.42 ટકા થયો છે. માર્ચ, 2014ના નાણાકીય વર્ષમાં જાહેર દેવાંની સપાટી રૂ.1.49 લાખ કરોડ હતી જે કુલ દેવાંના 58.42 ટકા રકમ બજાર લોન, બોન્ડ્ઝનો હિસ્સો હતી જ્યારે એનએસએસએફનું પ્રમાણ રૂ.47841 કરોડ એટલે કે 32 ટકા હતું. આ સ્થિતિ ચાલુ નાણાકીય વર્ષ પૂરું થાય ત્યારે માર્ચ, 2015માં વધુ સ્પષ્ટ થશે અને જાહેર દેવું વધીને રૂ.1.65 લાખની સપાટીએ પહોંચશે. વર્ષ 2015-16માં આ રકમ રૂ.1.84 લાખ કરોડ અને વર્ષ 2016-17માં રૂ.2.04 લાખ કરોડ સુધી પહોંચશે.
ભાજપ શાસિત રાજ્યની સરકાર વારંવાર એવો દાવો કરે છે કે કેન્દ્ર સરકારની સ્મોલ સેવિંગ્સની જેટલી સ્કીમો છે તેમાં ગુજરાતની જનતા રોકાણ કરે છે તે રોકાણોને કેન્દ્ર સરકાર ગુજરાતને દેવાં તરીકે જવાબદારી સોંપે છે એટલે દેવાંનું પ્રમાણ વધે છે, પરંતુ નાણાં વિભાગનો દસ્તાવેજ સ્પષ્ટપણે જણાવે છે કે સ્મોલ સેવિંગ્સનું પ્રમાણ વીસ ટકા ઘટ્યું છે જ્યારે ગુજરાતનું બજારમાંથી ધિરાણ લેવાનુ ઉત્તરોત્તર વધીને 24 ટકા જેટલું ઊંચે ગયું છે.
સરકારે તેની મહેસૂલી આવકો વધારવા સાથે મહેસૂલી ખર્ચમાં નિયંત્રણ રાખી મૂડી ખર્ચ વધારી રહી હોવાથી તેની અસ્ક્યામતોમાં વધારો થઇ રહ્યો છે. સરકારે અમલી બનાવેલા વિત્તિય વ્યવસ્થાપન ધારા મુજબ ખાધ નિયંત્રણમાં છે અને એ જ રીતે જીએસડીપીના પ્રમાણમાં 27 ટકા જાહેર દેવાંના બદલે હાલ તેનું દેવું 18.34 ટકા છે. આને કારણે ગુજરાતને કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક લાભો પણ મળ્યા છે. નાણાકીય શિસ્તની જાળવણીને લીધે વ્યાજ ખર્ચમાં 1710 કરોડની બચત થઇ છે જ્યારે રૂ.2262 કરોડના દેવાં માફી થયા છે.

No comments:

Post a Comment

thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.