Saturday 9 May 2015

નમામિ દેવી નર્મદેઃ નર્મદા યોજના કેનાલ નેટવર્ક ક્યારે થશે પૂર્ણ?

રાજ્યના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ સરદાર સરોવર નર્મદા નિગમનું કામકાજ શરૂ કર્યાને 55 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. વચ્ચે કેટલોક સમય આ વિવાદ કોર્ટમાં ચાલ્યો જતાં તેમાં યોજના ખોરંભે પડી હતી. સુપ્રીમ કોર્ટે તબક્કાવાર આ યોજનાના બંધની ઊંચાઈ વધારવા મંજૂરી આપી અને થોડો સમય પૂર ઝડપે કામ ચાલ્યા બાદ આ કામમાં ગોકળગતિ આવી  ગઈ છે.
રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના સંયુક્ત ભાગીદારીના શાહસ સમાન આ યોજના બહુહેતુક યોજના કહેવામાં આવે છે. સિંચાઈ, પીવાના પાણીની કાયમી સમસ્યાનું નિવારણ તેમજ વિજળી સહીતના ઘણા હેતુઓને સાંકળતી આ યોજના રાજ્યમાં એક ક્રાંતિકારી પરીવર્તન લાવી શકે તેમ છે.
આ યોજના અંગે વર્તમાન સમયમાં સરકાર સામાન્ય રીતે ગંભીર હોય તેવુ લાગતું નથી. રાજ્યમાં આજસુધીમાં 25,479 કિલોમીટર જેટલી લંબાઈનું કામકાજ પૂર્ણ કરવામાં આવ્યું છે. મુખ્યત્વે વડોદરામાં 7836કિમી, નર્મદા 807 કિમી, ભરૂચ 3534કિમી, અમદાવાદમાં 3264 કિમી, બનાસકાંઠા 1457કિમી તેમજ કચ્છ 113કિમીનું નેટવર્ક પૂર્ણ થવા પામ્યુ છે.
નર્મદાની મુખ્ય કેનાલ
નર્મદા નદીના પાણીને છેવાડાના ગામ સુધી પહોચાડવામાં જે સુક્ષ્મ આયોજન કરવામાં આવ્યું છે અને કેનાલોનું માળખું તૈયાર કરવામાં તંત્રએ આજસુધીમાં 22102.03 કરોડનો સફાયો કરવામાં આવ્યો છે. આ યોજના થકી 17 જિલ્લાઓના 74 તાલુકાઓમાં 17.92 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ આપવાનું સરકારનું આયોજન છે.
નર્મદા યોજના દ્વારા રાજસ્થાનના છેવાડાના સુખા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાનું નિવારણ કરવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત મુખ્ય કેનાલના વિસ્તારમાં આવતાં રાજ્યના 17 જેટલા જિલ્લાઓને પણ તે હેઠળ સાંકળવામાં આવ્યા છે. આ કેનાલોના નેટવર્કનું કાર્ય હજુ પચાસ ટકા પણ પૂર્ણ થયું નથી ત્યારે તે ક્યારે ખેડૂતોને સિંચાઈ માટે ઉપલબ્ધ બનશે તે જોવું રહ્યું.
નેટવર્કનો મુખ્ય મેપ
નર્મદા કેનાલના મુખ્ય નહેર 458.32કિમીની લંબાઈએ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત શાખા, વિશાખા, પ્રશાખાની 14614.20કિમી તેમજ પ્રપ્રશાખાની 10248.56 કિમીની કેનાલોનું નેટવર્ક પૂર્ણ કરવામાં આવ્યું છે જ્યારે, વર્ષ 2014ની સ્થિતિ મુજબ કેનાલના શાખા, વિશાખા અને પ્રશાખાનું 11495.80કિમીનું કામ અને પ્રપ્રશાખાનું 37809.44 કિમીનું નેટવર્ક હજુ તૈયાર કરવાનું બાકી છે. આ નેટવર્ક ક્યારે તૈયાર થશે અને ખેડૂતોના ખેતરો સુધી પહોચશે તેનો મદાર હવે સરકાર અને તંત્ર પર રહેલો છે. સરકાર ઉદ્યોગપતિઓ પરથી નજર ઉઠાવી હવે જગતના તાત પર મહેરબાન થાય તો સરદારના નામે મેળવેલા મતો લેખે લાગ્યા ગણાય.
ભાજપની સરકાર નર્મદાના નામે ખેડૂતો પાસેથી ઢગલાબંધ મતો મેળવતી આવી છે. સરદારના વારસદારની ભૂમિકા નિભાવી રહી છે ત્યારે, સરદાર પટેલના સંતાનોને સિંચાઈના અને ખેતીના અનેક પ્રશ્નો આજે જૈસે થે છે. આ પ્રશ્નો ઉકેલવા સરકાર સંવેદનશીલ નથી કારણકે, ખેડૂતો ક્યાં ફંડીંગ પુરૂ પાડે છે. રાજ્યના સર્વાંગી વિકાસ માટે નર્મદાનો પ્રસરાવો વહેલી તકે ફેલાય તે સરકાર જેટલું વહેલું સમજશે એટલું સારૂ.
નર્મદા નદીના મુખ્ય સરદાર સરોવર બંધ પર સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા મોટા મોટા સ્મારકો સ્થાપિત કરવામાં અને પ્રસિદ્ધિ મેળવવામાંથી બહાર આવી કેનાલોના નેટવર્કને તૈયાર કરે અને પાણીને ખેડૂતોના ખેતરો સુધી પહોચાડે તે જરૂરી છે.

No comments:

Post a Comment

thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.