Thursday 7 May 2015

રાજ્યમાં પશુઓની સંખ્યા 2.71 કરોડને પાર, દેશમાં નવમા ક્રમાંકે

ભારત એક કૃષિપ્રધાન દેશ છે. દેશનો બહુજન સમુદાય ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. ગ્રામ્ય જીવનમાં ખેતી અને પશુપાલન વ્યવસાય થકી પરિવારનું નિર્વહન કરવામાં આવે છે. દેશમાં જ્યારે શહેરીકરણનો ડ્રેગન દિનપ્રતિદિન વધતો જાય છે ત્યારે, આ કૃષિ અને પશુપાલન પર પણ તેની પ્રતિકૂળ અસરો જોવા મળે તે સ્વાભાવિક છે.
ગુજરાતમાં પણ રાજ્યનો 60 ટકા વર્ગ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો છે. પશુપાલન સાથે રાજ્યમાં અદ્દભુત ક્રાંતિ પણ સર્જાઈ છે. દેશભરમાં સર્જાયેલ શ્વેતક્રાંતિ પશુપાલનને આભારી છે. આ ક્રાંતિના મુળ ગુજરાતમાં છે. રાજ્યની અમુલ ડેરી,બનાસ ડેરીએ વિશ્વકક્ષાએ શ્વેતક્રાંતિમાં આગવી નામના મેળવી છે.
પશુપાલન વ્યવસાયના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ સતત પ્રયત્નશીલ હોય છે. પશુપાલન ધારકોને સબસિડીની યોજના, લોન, પશુઓ માટે વીમો, પશુપાલનના સાધનો જેવી સહાય પ્રદાન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા પાંચ વર્ષે પશુઓની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવતી હોય છે. કેન્દ્ર સરકારના ડેરી અને ફીશરીંઝ વિભાગ દ્વારા તાજેતરમાં પશુધન ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં રાજ્યમાં 2,71,28,200 પશુઓની વિગતો બહાર આવી છે જેમાં, બનાસકાંઠામાં 25,44,836 પશુઓ નોંધાયા છે જે રાજ્યના તમામ જિલ્લાઓમાં અવ્વલ નંબરે છે. જ્યારે, ડાંગ જિલ્લામાં 1,33,012 પશુઓ નોંધાયા છે. રાજ્યના તમામ જિલ્લાઓની તુલનાએ ડાંગમાં પશુઓની સંખ્યા ઓછી છે. સંપૂર્ણ આદિવાસી અને કૃષિ આધારિત સભ્યતા ધરાવતા જિલ્લામાં પશુઓની ઓછી સંખ્યા સરકારની પછાત જિલ્લાઓ પ્રત્યેની ઉદાસિનતા દર્શાવે છે.
રાજ્યમાં ગૌધન વર્ગના પ્રાણીઓની સંખ્યા 99,83,953 છે તો ભેસ વર્ગના પ્રાણીઓની સંખ્યા 1,03,85,574 નોંધાઈ છે જે રાજ્યના તમામ પશુઓના 38.85 ટકા થવા પામે છે. રાજ્યમાં રબારી ભરવાડ જેવા માલધારી પશુપાલકો ઘેંટા, બકરાના ઉછેર કરી પોતાની રોજીરોટી મેળવતા હોય છે. આ ઘેંટા બકરાની સંખ્યા પણ રાજ્યમાં 66,66,722 નોંધાઈ છે.
રાજ્યનું પશુધન દેશના કુલ પશુઘનની તુલનાએ 5.23% હીસ્સા સાથે નવમા ક્રમાંકે છે. પશુધનમાં 2,56,87,687 પશુઓ ગ્રામ્ય વિસ્તારોમાં અને 1440513 પશુઓ શહેરી વિસ્તારમાં આવેલા છે. 1,36,63,130 પરીવારો પાસે પશુધન હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. 2007ના વર્ષની તુલનાએ 2012ના વર્ષની પશુ ગણતરીમાં 12.39%નો વધારો જોવા મળ્યો છે.
રાજ્ય અને દેશની કુદરતી સંપતિ સમાન પશુ સંપતિના સંવર્ધન અને ઉછેર માટે તંત્ર અને પશુપાલક વર્ગમાં એક વૈજ્ઞાનિક અભિગમ કેળવાય અને પશુ સંપતિમાં ઉતરોત્તર વધારો થાય તે અંગે જાગૃતિ કેળવાય તે જરૂરી છે. પશુઓનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર, યોગ્ય દવાઓ અને સારવાર તેમજ પુરતું વાતાવરણ, પાણી અને ઘાસચારા જેવી પાયાની જરૂરીયાતો ઉપલબ્ધ થાય તો પશુઓનો યોગ્ય વિકાસ થઈ શકે તેમજ પશુઓની સંખ્યામાં વધારો પણ થઈ શકે.
વર્તમાન સમયમાં ગ્રામ્ય સમુદાયના ખેડૂત પરિવારોના નિર્વાહમાં પશુપાલન વ્યવસાય મુખ્ય ભૂમિકા નિભાવે છે. ખેડૂતો અને ગ્રામીણ સમુદાયના ઉત્થાન માટે પશુપાલન વ્યવસાયને પ્રોત્શાહન આપવામાં આવે તો પણ રાજ્યના વિકાસને એક નવી દિશા મળી શકે છે.

No comments:

Post a Comment

thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.