Wednesday 6 May 2015

એક વર્ષના શાસન બદલાવમાં કાર્યકર્તા જ નારાજ

કેન્દ્રમાં મોદી સરકાર તેમજ ગુજરાતમાં આનંદીબેન પોતાના શાસનનાં એક વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. આ એક વર્ષની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ભાજપને મતદારો દ્વારા કાશ્મીર અને જમીન સંપાદન બીલના મુદ્દે થનારા સવાલોનો સામનો કરવાનો થશે.
દેશમાં અને ગુજરાતમાં ભાજપ માટે આગામી 21 થી 26મી મે સુધીનો સમયગાળો ઉજાણીનો રહેવાનો છે. ગુજરાતમાં આનંદીબહેને મુખ્યપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યાને 21 મેના રોજ એક વર્ષ પૂર્ણ થાય છે, તો વડાપ્રધાન તરીકે શાસનનની ધુરા નરેન્દ્ર મોદીએ 26મી મેના રોજ સંભાળી હતી. આમ, કેન્દ્રમાં ભાજપનું એક વર્ષનું શાસન અને ગુજરાતમાં" બેન"ના નેતૃત્વ હેઠળની સરકારનો સમયગાળો પૂર્ણ થઇ રહ્યો છે. જો કે બંનેની ઉજવણી ભાજપ ભલે સાથે કરી રહી હોય પરંતુ શાસનની સરખામણી કરવી યોગ્ય નથી. કેન્દ્રમાં ભાજપના શાસનને હજુ માત્ર એક વર્ષ થયું છે, જ્યારે ગુજરાતમાં વર્ષોથી ભાજપનું જ શાસન છે. ફરક માત્ર એટલો છે કે મુખ્યપ્રધાન બદલાયા છે.
ભાજપે આ વખતે અનેક પડકારો વચ્ચે ઉજવણી કરવાની છે. રાજ્યમાં ભાજપના શાસનની  વાહવાહ કરવાની અને કેન્દ્ર સરકારની સામે બાંયો ચઢાવવાની તેવું આજસુધી ચાલતુ આવ્યું છે. પરંતુ હવે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની જ સરકાર છે. ત્યારે, આક્ષેપબાજીનો અવસર નહિં મળે એટલું જ નહિં સામે અનેક સવાલોના જવાબો પણ આપવા પડશે. વિપક્ષો હંમેશા એવો આક્ષેપ કરતા આવ્યા છે કે" જૂઠ બોલવું અને જોરથી બોલવું " તે ભાજપની નીતિરીતિ છે. જો કે ભાજપ આક્ષેપો કરવામાં જે રીત અપનાવે છે તે જ રીત સરકારના ગુણગાન ગાવામાં પણ અપનાવશે.
કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપ શાસનની સિધ્ધિઓને પ્રજાજનો સુધી પહોંચાડવા માટે પ્લાન ઘડાઈ ચુક્યો છે. પ્રધાનોથી માંડીને છેક પક્ષના પદાધિકારીઓને પ્રજજનો સુધી પહોંચે તેવું આયોજન કરાયું છે. પ્રસિદ્ધિમાં માહેર ભાજપ તેનો ભરપૂર ઉપયોગ કરશે જ પરંતુ, આ વખતે પક્ષના નેતાઓ સાથે કાર્યકરોને પણ મોટી સંખ્યામાં મેદાનમાં ઉતારવામાં આવશે અને તેના ભાગરુપે સંપર્ક અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.
પક્ષના આગેવાનો અને કાર્યકરો પ્રજાજનો સમક્ષ જાય ત્યારે સંભવિત સવાલો સામે ક્યાં જવાબ આપવા તે માટે પ્રશિક્ષિત કરવાનું કામ હાલ ભાજપમાં ચાલી રહ્યું છે. ખાસ કરીને કાશ્મીરમાં મુફ્તી સરકારમાં જોડાવાનો મામલો અને જમીન સંપાદન બિલના મુદ્દે એક સૂરમાં જવાબ આપવામાં આવે તે માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. કાશ્મીર અને જમીન સંપાદન મામલે ભાજપ સરકાર પાસે નક્કર જવાબો નથી ત્યારે કેવી દલીલો કરવી તે માટેની કસરત ચાલી રહી છે.
ભાજપ માટે સૌથી મોટો પડકાર એ છે કે જે કાર્યકરોને પ્રજાને સમજાવવાનું કામ સોંપાવાનું છે તે કાર્યકરોને પહેલાં સમજાવવા પડે તેમ છે કારણ કે કાશ્મીરના મામલે પક્ષનાં નિર્ણયને પક્ષનાં જ કાર્યકર્તાઓ ગળે ઉતારી શક્યા નથી તો બીજીબાજુ જમીન સંપાદન મામલે સરકારનાં વલણને પણ સમજી શક્યા નથી. જો કે, પ્રમાણમાં શિસ્તબદ્ધ ગણાતા ભાજપમાં કાર્યકરો મનમાં શું છે તે કળાવા નહી દે અને પક્ષ દ્વારા ગોખાવવામાં આવેલા જવાબો આપશે તેવું મનાઈ રહ્યું છે.
ભાજપની ભવ્ય ઉજવણીમાં કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયોને યથાર્થ ઠેરવવાનો પ્રયાસ કરાશે તેમજ સરકારના નિર્ણયોને દેશહિતમાં ખપાવવાના પ્રયાસો કરવામાં આવશે જ્યારે, ગુજરાત સરકારની એક વર્ષની આનંદીબેનની લોકસંપર્ક કામગીરીને પ્રજા સમક્ષ મુકી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વાતાવરણ ઉભુ કરવામાં આવશે.

सौजन्यः- नरेश दवे, नारण आसल

No comments:

Post a Comment

thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.