Monday 11 May 2015

નર્મદા યોજનાના ચાર રાજ્યો પાસે 5,426.24 કરોડના લેણાં બાકી, મામલો નર્મદા ટ્રીબ્યુનલમાં..


નર્મદા યોજનાના મુખ્ય બંધની ઊંચાઇ વધારવાથી ડુબમાં જતાં વિસ્તારોના વિસ્થાપિતોના પુનર્વસન માટે ભાગીદાર રાજ્યો વતીથી કરાયેલા ખર્ચની રકમ, વીજળી પેદા કરવા માટે ડેમની નજીક ત્રણ સરોવર બનાવાયા છે, તેનો ખર્ચ, બાકી રકમ અને બાકી રકમ પરનું  વ્યાજ એમ ત્રણ મુદ્દે વિવાદ છે. આ વિવાદમાં ગુજરાતની માગણી સામે ભાગીદાર રાજ્યો નર્મદા ટ્રિબ્યુનલમાં ગયા છે. આમ છતાં જે રકમના મુદ્દે વિવાદ નથી, તેની વસૂલાત માટે નર્મદા નિગમથી માંડીને છેક મુખ્યપ્રધાન સુધીના સ્તરેથી વખતો વખત રજૂઆત થતી રહે છે.
 જાન્યુઆરી, 2015ની સ્થિતિએ મધ્યપ્રદેશ પાસેથી રૂ.3,547.90 કરોડ, મહારાષ્ટ્ર પાસેથી રૂ.1,372.57 કરોડ અને રાજસ્થાન પાસેથી રૂ.505.77 કરોડની રકમ મળી કુલ રૂ.5,426.24 કરોડની રકમ બાકી છે. હાલની સ્થિતીએ આ રકમ વધુ થવા પામી છે.
અગાઉ વિધાનસભા ગૃહમાં મહારાષ્ટ્ર પાસેથી બાકી રકમ માટે કોંગ્રેસની સરકાર સાથે વાટાઘાટો કરવા ટકોર થઇ હતી, ત્યારે  તત્કાલિન મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ સાથે બેઠક કરી 273 કરોડની રકમ મેળવી આપી હતી. ત્યારે, હવે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે, તો શા માટે આવા પ્રયાસ થતાં નથી તેવા સવાલો ઉભા થયા છે.
બહુહેતુક નર્મદા યોજના રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવી હતી. જેમાં દરેક રાજ્યના હિતના ખ્યાલને નજર સમક્ષ રાખીને શરૂ કરવામાં આવેલ આ યોજનામાં હવે બાકીના રાજ્યો નાણાં આપવામાં ઠાગાઠૈયા કરી રહ્યા છે. પહેલાં ગુજરાત સરકાર વારંવાર એવી દલીલ કરતી હતી કે, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતૃત્વની સરકાર સહકાર આપતી ન હોવાથી આ નાણાં મળતાં નથી કે યોજનામાં વિલંબ થાય છે. જ્યારે હવે તો, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત તમામ રાજ્યોમાં ભાજપના નેતૃત્વની સરકાર છે.
 ભાજપના નેતૃત્વની સરકાર રાજકિય રીતે એક્તા સાધી શકે છે, પરંતું, આંતરિક સરકારી સંકલનમાં એકતા સાધી શકતી નથી. પરીણામે નાણાંકિય લેવડ દેવડના મુદ્દે નર્મદા ટ્રીબ્યૂનલમાં ધા નાખવી પડી છે. રાજસ્થાનને પુરતાં પ્રમાણમાં પાણી પૂરવઠો પુરો પાડવામાં આવે છે. જ્યાં વસુંધરા રાજેના નેતૃત્વમાં ભાજપની સરકાર કાર્યરત્ છે. આ રાજ્યમાં પૂર્વેની અશોક ગેહલોતની કોંગ્રેસ સરકાર પર ચૂંટણી વખતે નર્મદાના પાણી આપવાના મુદ્દે ખુબ માછલાં ધોવામાં આવ્યા હતા.
નર્મદા ટ્રીબ્યૂનલમાં આ મુદ્દાનો ઉકેલ આવશે કે કેમ અને આપવાની થતી રકમ રાજ્ય સરકારો ક્યારે ચુકવે છે તે હવે જોવું રહ્યું ? નર્મદા યોજનાનું કામ પણ હાલમાં ગોકળગતિએ ચાલી રહ્યું છે, જેમાં હવે ગુજરાતની સ્થાનિક સ્વરાજકિય ચૂંટણીઓને કારણે થોડો સળવળાટ થાય તેવી સંભાવના છે. ગુજરાત સરકાર હવે બધા રાજ્યોમાં ભાજપની સરકાર હોવાથી ચૂપ છે.

No comments:

Post a Comment

thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.