Sunday 10 May 2015

વાઇબ્રન્ટ સમિટથી કેટલું રોકાણ ? આંકડા પોતે જ બોલે છે.

ગુજરાતમાં તેર વર્ષ પૂર્વે ફેબ્રુઆરી માસમાં સર્જાયેલા ગોધરાકાંડ અને એ પછી રાજ્યભરમાં ફાટી નીકળેલા કોમી તોફાનોથી વિશ્વવ્યાપી બદનામી થઇ હતી. આ બદનામીનો દાગ ધોવા માટે રાજ્ય સરકારે વેપાર અને ઉદ્યોગ જગતના મહાનુભાવોને ગુજરાતમાં આમંત્રી પોતે જ વિશ્વાસ તથા ભરોસાનો અહેસાસ કરી ફરીથી રોકાણો કરવા માટે આગળ આવે તેવા હેતુથી 2003થી શરૂ કરાયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની સાતમી શ્રેણી તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા યુએનના સેક્રેટરી જનરલ બેન કી મુનની ઉપસ્થિતિ વચ્ચે પૂર્ણ થઇ હતી. છેલ્લી સમિટમાં 21 હજાર સમજૂતી કરારથી 25 લાખ કરોડનું રોકાણ આવશે, તેવી જાહેરાત રાજ્ય સરકારે કરી હતી હતી. પરંતુ અત્યાર સુધીમાં યોજાયેલી છ સમિટમાં જાહેર થયેલા રોકાણોથી ખરેરખર ગુજરાતમાં કેટલું રોકાણ થયું છે તેના આંકડા બહાર આવ્યા છે.
અત્યાર સુધીના સમિટમાં રૂ.40 લાખ કરોડના સંભવિત રોકાણો ખરેખર તો એક લાખ કરોડનું જ રોકાણ ગુજરાતમાં થયું છે તેમ સત્તાવાર દસ્તાવેજમાં જણાવાયું છે. છેલ્લા પાંચ વર્ષમાં સમિટથી કયા ક્ષેત્રમાં કેટલું રોકાણ થયું છે તેના અંગે તૈયાર થયેલા દસ્તાવેજમાં જણાવાયું છે કે, 2008-09 થી 2012-13 સુધીના પાંચ વર્ષમાં ગુજરાતના 38 જેટલા સેક્ટર અને 17 જેટલા મિડિયમ સ્મોલ માઇક્રો સેક્ટરમાં આ રોકાણ આવ્યું છે જેમાં સૌથી વધારે ટેક્સટાઇલ સેક્ટરમાં રોકાણ આવ્યું છે. પાછલા પાંચ વર્ષમાં 38 સેક્ટરમાં જોઇએ તો રૂ.61,172 કરોડ અને એમએસએમઇ એન્ટરપ્રાઇઝમાં રૂ.48,749 કરોડનું રોકાણ થયું હતું.
પાછલા સમિટથી રાજ્યમાં રૂ.39,60,146 કરોડના સંભવિત રોકાણોની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તેની સામે અત્યાર સુધીમાં થયેલા રોકાણો અંગે એવી દલીલ કરાઇ છે કે, ભારત સરકારે 1991માં જાહેર કરેલી ઔદ્યોગિક નીતિ હેઠળ મોટા ઉદ્યોગો સ્થાપવા ઇન્ડસ્ટ્રિયલ એન્ટરપ્રિનિયોર મેમોરેન્ડમ ફાઇલ કરવાનું રહે છે. તે ફાઇલ કર્યા બાદ એકમ ઉત્પાદનમાં આવે ત્યારે તે મોટા ઉદ્યોગ ભારત સરકારને પાર્ટ-બીમાં માહિતી રજૂ કરે છે. જેના આધારે ભારત સરકાર તેની વેબસાઇટ પર માહિતી જાહેર કરે છે. પાર્ટ-બીમાં મૂડીરોકાણ અને ઉત્પાદનની વિગતો ભારત સરકારે રજૂ કરી નથી આથી પાર્ટ બી ભરાયા બાદ મૂડી રોકાણ વધારતા હોય. તેવા મોટા એકમોની અદ્યતન વિગતો જાણી શકાતી નથી.
ગુજરાતમાં ખરેખર થયેલુ મૂડીરોકાણ
વર્ષ મોટા ઉદ્યોગો એમએસએમઇ
2008-09   19,719 3,916.72

2009-10   11,946 5,295.03

2010-11   13,206 7,964.82

2011-12   12,581 11,725.18

2012-13   3,720 15,323.93


ગુજરાતમાં જુદા જુદા ક્ષેત્રો અને એમએસએમઇ એન્ટરપ્રાઇઝમાં રોકાણો માટેનું શ્રેષ્ઠ ડેસ્ટીનેશન બની રહ્યું છે ત્યારે પાછલા પાંચ વર્ષમાં જોઇએ તો રૂ.1 લાખ કરોડના રોકાણમાં સૌથી વધારે રોકાણ ટેક્સટાઇલ સેક્ટરમાં રૂ.17,307 કરોડ જેટલું થયું છે. જ્યારે દસ સેક્ટર એવા છે જેમાં એકપણ રૂપિયાનું રોકાણ આવ્યું નથી. ખાસ કરીને પ્રાઇમ મૂવર્સ (ઇલેક્ટ્રિસિટી જનરેશન સિવાય), ટેલિકોમ્યુનિકેશન, ટ્રાન્સ્પોર્ટેશન, મશીનટુલ્સ, અર્થ મુવિંગ મશીન, કોમ્યુનિકેશન ઓફિસ એન્ડ હાઉસહોલ્ડ ઇક્વિપમેન્ટ, ફોટોગ્રાફી રો ફિલ્મ એન્ડ પેપર, ફરમેન્ટેશન ઇન્ડસ્ટ્રીઝ, શોપ કોસ્ટમેટિક એન્ડ ટોઇલેટ, ટુરિઝમનો સમાવેશ થાય છે.
દેશમાં ઉદ્યોગોના વિકાસ માટે વાઈબ્રન્ટના તાયફા ગોઠવી પોતાની વાહવાહી કરનાર ભાજપની ગુજરાત સરકારે આ સિલસિલો ચાલુ રાખ્યો છે. હવે, આગામી સમયમાં આ તાયફો જ સાબિત થવા જઈ રહ્યો છે. ત્યારે, સરકાર પોતાની વાહવાહી કરવાનો આ સિલસિલો ચાલું રાખે છે કે કેમ? તે જોવું રહ્યું.

No comments:

Post a Comment

thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.