Sunday 3 May 2015

મજૂર દિવસનો આડંબર અને મજૂરોની દુર્દશા

દુનિયા સહિત ભારતભરમાં પહેલી મેના દિવસને મજૂર દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ એટલે મજૂરોના હક અને ફરજોથી વાકેફ થઈ જાગૃતિ અને એકતા પ્રાપ્ત કરવાનો દિવસ. વિશ્વ વિકાસની ગતિએ  ટેક્નોલોજીના સમન્વયથી ખુબ હરણફાળ વિકાસ સાધી રહ્યુ છે ત્યારે, આજે પણ જો કોઈ કચડાયેલો કે પીસાયેલો વર્ગ હોય તો તે માત્ર મજૂર વર્ગ જ છે. શ્રમજીવી વર્ગના જીવન ધોરણને સુધારણાના પાયા પર મુકવાની ઠોસ નીતિ થકી જ દેશ કે દુનિયાનો સમાંતર વિકાસ શક્ય છે.

વિકાસને એક તરફી મુલવીને બીજા વર્ગની ઉપેક્ષા કરવાથી સર્વાંગી વિકાસ શક્ય નથી. પાયાની શરૂઆત ગરીબો અને મજૂરોના હિતાર્થે થાય ત્યારે વિકાસના પરિણામો સામાન્ય વર્ગ સુધી પહોચે છે તેમ કહી શકાય. વિકાસ અને જાગૃતિની અસમાનતા દેશના કે સમાજના વિકાસના રસ્તામાં રોડા બનીને ઉભરી ન જાય તે માટે સમાનતા જાળવવાની જવાબદારી જે તે સત્તાધિન શાસકોની હોય છે.
દેશનો ગરીબ અને મજૂર વર્ગ આજે પણ પોતાના સ્થાપિત અધિકારોની લડત લડી રહ્યો છે. શ્રમજીવી પરિવાર આજે પણ એજ આર્થિક સંકડામણ અને ભિંસના કારણે ગુજરાન ચલાવે છે.
દુનિયા જ્યારે મજૂર દિવસની ઉજવણી કરે છે ત્યારે સાચા મજૂરો ઉજવણીથી દુર પોતાના ગુજરાન માટે મજૂરી કરી રહ્યો હોય છે. મજૂરો પોતાના પરીવારના ગુજરાન માટે રાત દિવસ પસીનો પાડતા હોય છે. તેમના હિત અને ચિંતન માટે મોટી મોટી વાતો કરનારા લોકો પ્રવચન કરીને પાછા મજૂરોનું શોષણ કરવા નિકળી જાય છે. મજૂરોને પોતાના હકો કે ફરજો માત્ર બોર્ડ પર કે સંગઠનો પર જોવા મળશે. વાસ્તવિક આચરણમાં લેવા જશે ત્યારે, તેને યા તો પરીવારથી હાથ ધોવાનો વારો આવશે કાંતો મજૂરીથી દુર ભાગવું પડશે.
સમાજનો સાચો વિકાસ જ્યારે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેમના પ્રાસ્તવિક માળખા દ્વારા સમાજ પોતાની ભોતિકતા ભોગવી શકે છે. તેજ વર્ગને અવગણીને જ્યારે દુનિયા આગળ વધવાના સપના જોતી હોય તો તે મૃગજળ સમાન છે. મજૂર દિવસની સાર્થકતા તેમાંજ રહેલી છેકે, જેમાં એક હિતચિંતક થઈ ગરીબો અને મજૂરોના હિતાર્થે કલ્યાણાર્થે આગળ આવી તેમની સ્થિતિ બદલવા પ્રયાસ કરવામાં આવે.

No comments:

Post a Comment

thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.