Monday 4 May 2015

વિશ્વભરમાં બૌદ્ધપૂર્ણિમાનું મહાત્મય

વૈશાખી પૂર્ણિમાનું મહાત્મય હિન્દું ધર્મની સાથે સાથે બૌદ્ધ ધર્મમાં પણ ખુબ માનવામાં આવે છે. વૈશાખી પૂર્ણિમાનો દિવસ ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાયેલો રહ્યો છે. તેમનો જન્મ દિવસ, નિર્વાણ દિવસ અને તેમના જ્ઞાનમાર્ગની પ્રજવલ્લિત જ્યોતિનો દિન એ એકજ વૈશાખી પૂર્ણિમા રહ્યો છે. આ પ્રકારના દિવસોનો સંયોગ ભાગ્યેજ કોઈ મહાપૂરૂષના જીવનમાં આવતો હોય છે.
પૌરાણિક સમયથી વૈશાખી પૂર્ણિમાનું મહાત્મય માનવામાં આવે છે. આજના દિવસે ગંગામાં  પૂણ્ય સ્નાન અને દાનનું અત્યંત મહત્વ રહેલું છે. ગયામાં ભગવાન બુદ્ધના મંદિરમાં હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. જ્યાં તેમના દર્શન કરી પૂજા, આરતી અને અગરબતી કરવામાં આવે છે, દિપ પ્રાગટ્ય દ્વારા અજ્ઞાનતાના અંધકારને દુર કરવાનો તહેવાર છે. ભગવાન બુદ્ધની મૂર્તિની પૂજા, આરતી અને ફુલો ચડાવવામાં આવે છે.
ભગવાન બુદ્ધને કપરી તપસ્યાના અંતે આત્મજ્ઞાનનો સાક્ષાત્કાર થવા પામ્યો હતો. પૌરાણિક સાહિત્યોમાં બુદ્ધને ભગવાન વિષ્ણુના અવતાર ગણવામાં આવે છે. પરંતુ, બૌદ્ધ પંડિતો તેનું ખંડન કરી ભગવાન બુદ્ધને એક ફિલસૂફ તરીકે માને છે. વર્તમાન સમયમાં જ્યારે, વિશ્વમાં અશાંતિ અને માનવ અસહિષ્ણુતાનો પ્રભાવ જનમાનસમાં ફેલાયેલો છે ત્યારે, બુદ્ધના વિચારો સમાજમાં શાંતિ અને સભ્યતા તેમજ સહિષ્ણુતાનો સંદેશ આપે છે. ભગવાન બુદ્ઘની વિચારધારા સનાતન અને સાત્વિક છે. 2500 વર્ષ પહેલાં કરેલી તેમની વાતો આજે ત્રિપીટક ગ્રંથમાં સંગ્રહિત છે.
બૌદ્ધધર્મના અનુયાયીઓ ચીન, શ્રીલંકા, થાઈલેન્ડ, ભારત સહિત વિશ્વભરમાં ફેલાયેલા છે. આ તમામ અનુયાયીઓ માટે આજના દિવસનું આગવું મહત્વ હોય છે. આ દિવસને જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. બુદ્ધપૂર્ણિમા, વેસાક અને હનમતસૂરી જેવા નામોથી આજના દિવસને ઓળખવામાં આવે છે.જે દિવસને એક ભવ્ય તહેવારના રૂપમાં મનાવાય છે. બિહાર સ્થિત બોધગયા અને કુશીનગરમાં ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. પશુ પક્ષીઓને મુક્ત કરવામાં આવે છે, ગરીબોને દાન પૂણ્ય કરવામાં આવે છે. પવિત્ર ગણાતા બોધિવૃક્ષની પૂજા કરવામાં આવે છે તેમજ વૃક્ષને દૂધ અને સુંગંધિત પદાર્થોનું સિંચન કરવામાં આવે છે. બોદ્ધ શાસ્ત્રોક્તનું પઠન કરવામાં આવે છે તેમજ આજના દિવસે માંસાહારને વર્જિત માનવામાં આવે છે કારણ કે કરૂણ હ્રદયના ભગવાન બુદ્ધ હિંસાના વિરોધી હતા. આજના દિવસે બુદ્ધ ભગવાનના અસ્થિને દિલ્હી સંગ્રહાલયમાંથી બહાર લોક દર્શનાર્થે મુકવામાં આવે છે જ્યાં ભાવિક અનુયાયીઓ બહોળી સંખ્યામાં દર્શન કરે છે.
પોતાની આદર્શ વિચારધારા અને માનવતાવાદી તેમજ શાંતિ, અહિંસાના વૈશ્વિક ફેલાવા દ્વારા એક વિશ્વ માનવ તરીકે તેમની ગણના થાય છે. આજે વિશ્વભરમાં ફેલાયેલા તેમના અનુયાયીઓ બુદ્ધના વિચારને વરેલા છે. 2500 વર્ષ પહેલાં ભારત સહિત એશિયાના કેટલાય દેશોમાં પ્રસરેલા બોદ્ધધર્મનો સમયાંતરે પ્રસાર ઘટ્યા બાદ આંબેડકરે બોદ્ધ ધર્મને અપનાવી પુનઃ પ્રાણ ફૂક્યા અને બૌદ્ધ જ્યોતિને પ્રજવલ્લિત કરી. વર્તમાન સમયમાં બોદ્ધ ધર્મના અનુયાયીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થતો જાય છે.
ભગવાન બુદ્ઘ માણસના કર્મને અને વિચારોને વધારે મહત્વ આપતા હતા. જ્યારે આજના સમયમાં અશાંતિ અને સંકુચિતતા તેમજ ધાર્મિક કટ્ટરતા વધી રહી છે. આ સમયે બૌદ્ધના માનવતાવાદી અને અહિંસક વિચારો અપનાવવાની તાતી જરૂર જેટલી માનવ સમુદાયને વહેલી સમજાશે તેટલો માનવ કલ્યાણનો માર્ગ વહેલો પ્રસ્થાપિત થઈ શકશે.

No comments:

Post a Comment

thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.