Tuesday 5 May 2015

યોગ્ય આયોજનના અભાવે કૃષિવિકાસ લક્ષ્ય વિહોણો

દેશનો આધાર જે પર ટકી રહ્યો છે અને ગ્રામ્ય સમુદાયનો મોટા ભાગનો જન સમુદાય જે  પર નિર્ભર છે તેવી કૃષિ સંપત્તિની અવગણના કરવી દેશના આર્થિક વિકાસ અને જીડીપીના વૃદ્ધિ આંકને ઘાતક નિવડી શકે છે. કેન્દ્રીયકૃત યોજનામાં કૃષિ ક્ષેત્રમાં વૃદ્ધિ અને વિકાસ હાંસલ કરવા અગિયારમી પંચવર્ષિય યોજના (2007-12) દરમ્યાન કૃષિ મંત્રાલયના કૃષિ અને સહકાર વિૅભાગે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાની શરૂઆત કરી હતી.
કૃષિક્ષેત્રમાં ક્ષેત્રમાં ખાનગી મૂડી રોકાણ અને ઉત્પાદન તેમજ નવીન ટેક્નોલોજી અને ઘરેલું ઉત્પાદન નિર્ભરતા વધારવા પર ભાર મુકવામાં આવ્યો હતો. આ યોજનાના લક્ષ્યાંકો સિદ્ધ કરવા કેટલીક રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી અને તેને પુરતું ભંડોળ પણ ફાળવવામાં આવ્યુ હતું.
આ યોજનાએ પુરતા લક્ષ્યાંકો અને તેની પરીયોજનાને બારમી પંચવર્ષિય યોજના દરમ્યાન પણ ચાલુ રાખવામાં આવી હતી. આ પરીયોજના 2007-08ના વર્ષ દરમ્યાન શરૂ કરવામાં આવી હતી અને કૃષિક્ષેત્રમાં 4%ના વૃદ્ધિદરને હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે કેન્દ્રિય સહાય દ્વારા પ્રોજેક્ટ કરવામાં આવી હતી.
રાજ્યમાં અગિયારમી પંચવર્ષિય યોજના દરમ્યાન દેશના 4.06%ના સરેરાશ વિકાસ દરની સામે ગુજરાતનો સરેરાશ વિકાસ દર 5.49% પ્રતિવર્ષ નોંધાયો હતો. રાજ્યમાં ઉત્પાદિત ધાન્ય પાકો અને બાગાયતિ પાકોના ઊંચા ભાવો, કપાસ તેમજ પશુધન ઉત્પાદનમાં વૃદ્ધિને કારણે વિકાસ આંક જળવાઈ રહ્યો હતો. કૃષિક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરવા 38 પરીયોજનાઓ તૈયાર કરવામાં આવી હતી. આ રૂપરેખાના માળખા પર અમલીકરણ કરીને સરકારે કૃષિક્ષેત્રમાં સ્થિરતા હાંસલ કરવાની હતી જેમાંથી 21 પરીયોજનામાં મહત્તમ લક્ષ્યાંક હાંસલ કરી શકાયો હતો જ્યારે 11 પરીયોજનાઓમાં આંશિક નિષ્ફળતા મળી હતી કે ઘટાડો નોંધાયો હતો. આ પરીયોજનાઓમાં કેટલીક તૃટીઓ અને અમલીકરણમાં ક્યાંક નિષ્ફળતા બહાર આવી હતી. જેમાં યોગ્ય ભંડોળની ફાળવણી તેમજ પરીયોજનામાં ચોક્કસ જોગવાઈના અભાવે અમુક યોજના નિર્ધારીત ધ્યેય હાંસલ કરે તે પહેલાં જ બંધ થઈ ગઈ હતી. પશુધનમાં પ્રસારીત રોગને કાબુમાં લેવા જીવવિકાસશાસ્ત્રીય અભિગમથી પરીયોજનામાં નાણાંકીય જોગવાઈ ન હોવા છતાં અનિર્ધારીત નાણાંકીય જોગવાઈ ઉપલબ્ધ કરવાની થતાં પણ યોજનાને એક નિષ્ફળતા રૂપ કારણ ઉભુ થવા પામ્યુ હતું. પરીયોજનાના અસરકારક અમલીકરણ માટે રાજ્ય સ્તરીય અને મધ્યસ્તરીય એજન્સી થકી નિયંત્રણ કરવામાં અપુરતા સંકલનના અભાવે પ્રસ્તાવિત 26 ત્રિમાસિક બેઠકોની સામે માત્ર 11 બેઠકો બોલાવાઈ હતી.
ગુજરાત દેશના પશ્ચિમ ભાગમાં દરીયા કિનારે આવેલું છે અને 1600કિમીનો દરીયાઈ પટ્ટો ધરાવે છે. રાજ્યના 19.61 મિલિયન હેક્ટર ભૌગોલિક વિસ્તારમાંથી 98.01 લાખ હેક્ટર અર્થાત 50% વિસ્તારમાં ખેતી થાય છે. રાજ્યના દસેક જિલ્લાઓના 70% જમીન વિસ્તાર પર ખેતી થઈ શકે છે જ્યારે 9.75% વિસ્તારમાં જંગલો અને 10.50% જમીન વિસ્તાર ખરાબાની છે. રાજ્યમાં મહત્તમ તાપમાન અને કચ્છમાં રણ વિસ્તાર પાણીની અછતની સમસ્યાગ્રસ્ત છે. ગુજરાતમાંથી ઉત્પાદિત કૃષિ પેદાશોમાં નોંધપાત્ર પ્રદાન રહેલ છે. બાજરી, મગફળી અને કપાસનું ઉત્પાદન અન્ય રાજ્યોની સરખામણીએ નોંધપાત્ર છે. કૃષિમાં ધાન્ય પાકો ઉપરાંત બાગાયતી પાકોમાં અને પશુધન ઉત્પાદિત ચીજ વસ્તુઓમાં પણ  રાજ્યનો આંશિક ફાળો છે. જેમાં ફળો, શાકભાજી, દૂધ,ઈંડાં, ઉન જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકારે 2007-8થી 2013-14ના વર્ષ દરમ્યાન કૃષિ અને સહકાર વિભાગે નિર્ધારીત 2495.10 કરોડના નિર્દેશીત ખર્ચની સામે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનામાં 2541.13 કરોડનો ખર્ચ નોંધવામાં આવેલ છે. આ મુજબ 46.03 કરોડનો તફાવત નિર્દેશીત થાય છે. રાજ્ય સરકારે 2007-08ના વર્ષનાં જિલ્લા કૃષિ યોજના અને સર્વગ્રાહી કૃષિ યોજના અંગેના 2.20 કરોડના ખર્ચના વપરાશી આંક સરકારે રજુ કર્યા નથી. વર્ષ 2008-09ના વર્ષના128.88 કરોડના ભંડોળની વિનિયોગ હિસાબી વિગતો રાજ્ય સરકારે ડિસેમ્બર 2014 સુધી હાથ ધરી નથી.
રાજ્યના કૃષિ અને પશુ સંપત્તિના વૃદ્ધ અને વિકાસમાં રહેલી તૃટીઓ અને પરીયોજના અમલીકરણની નીતિઓમાં સમવાયી આયોજન સ્થાપી ગ્રામ્ય માળખાકીય સમન્વયી આયોજન થાય તો દેશના અને રાજ્યના કૃષિ વિકાસ દરમાં વધારો સ્થાપી શકાય. આ અંગે સરકાર કેટલે અંશે સભાન છે અને સરકારની ખેડૂત અને કૃષિ પેદાશ વિષયક નીતિમાં સક્રિયતા અપનાવે તેમજ પરીયોજનાના સુદ્દઢ અમલીકરણ માટે યોગ્ય પગલાં ભરે છેકે કેમ તે જ એક સવાલ છે.

No comments:

Post a Comment

thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.