Tuesday 5 May 2015

કૃષિ ક્રાંતિ માટે સંશોધકો બન્યા કિસાન

કૃષિ ક્ષેત્રમાં નવા સંસોધનો અને ટેક્નોલોજીના ઉપયોગથી ઉત્પાદન વૃદ્ધિ કરવા અને ખેતીમાં ક્રાંતિ લાવવાના ધ્યેય સાથે આઈઆઈટી ખડગપુરના સંશોધકોનું એક ગ્રુપ ખેતીના કામમાં જોતરાઈ ગયું છે. તેમને મળેલી સફળતાથી આસપાસના ખેડુતો પોતાને ત્યાં આ પ્રકારના નિદર્શનો યોજવા વિનંતી કરવા લાગ્યા છે. આ સંશોધકોએ ફક્ત નવી ટેકનોલોજી જ નહીં, ઓર્ગેનિક ખેતીના પણ પ્રયોગો શરૂ કર્યા છે.
ખડગપુર
પશ્ચિમ બંગાળની આ ખ્યાતનામ આઈઆઈટીના સંશોધકોની એક ટીમે કેમ્પસ નજીકની ખરાબાની જમીનના એક મોટા ટુકડા ઉપર વાસ્તવમાં હરિયાળી ક્રાંતિ લાવવાનું બીડું ઝડપી લીધું છે અને તેમના પ્રયાસોથી આસપાસના વિસ્તારોના ખેડૂતો એટલા તો પ્રભાવિત થયા છે કે હવે તેઓ પણ ખેતીની આધુનિક પદ્ધતિ અપનાવવા આ સંશોધકોની સાથે કામે લાગી ગયા છે.
આઈઆઈટીના સંશોધકોની ટીમે કેમ્પસથી 10 કિ.મી.ના અંતરે આવેલા ખેંટીયા ગામે જુદા જુદા ખેડૂતોની માલિકીની 14 એકરની ખરાબાની જમીનને અપનાવી લઈ તે જમીનને નવી કૃષિ ટેકનોલોજીઝના પ્રયોગો માટેની લેબોરેટરી બનાવી દીધી છે. ઉલ્લેખનિય હકિકત એ છે કે, આમાંની મોટાભાગની જમીન છેલ્લા કેટલાય વર્ષોથી વણખેડાયેલી પડી હોવાના કારણે ખરાબા જેવી સ્થિતિમાં આવી ગઈ હતી. એ ઉપરાંત, આ સમગ્ર જમીનની માલિકી અનેક ખેડૂતોની છે, કારણ કે મોટા ભાગના ખેડૂતો પાસે જમીનના નાના નાના ટુકડા છે. આથી તમામ ખેડૂતોએ આંખોમાં આશાની ચમક સાથે આઈઆઈટીના સંશોધકોની ટીમને પ્રયોગો માટે પોતાની જમીન સોંપી દીધી.
આઈઆઈટીની ટીમે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં આ જમીનનો કબજો લીધો અને તેના ઉપર પ્રાથમિક કામ શરૂ કર્યું. સમગ્ર ખેતરને એક સમાન બનાવ્યા પછી ચોખાની બહેતર ઉપજ માટે "શ્રી" ટેકનોલોજી સાથે ડાંગરનું વાવેતર કરવામાં આવશે. ખૂબજ પાણીની જરૂરત ધરાવતા ડાંગરના વાવેતરમાં આ શ્રી ટેકનોલોજીથી પાણીની તથા જંતુનાશકોની જરૂરત 30 થી 40 ટકા ઓછી રહે છે. આ ઉપરાંત પાકમાં વૈવિધ્ય લાવવાના ઈરાદે, નિષ્ણાતોએ મકાઈ, મગફળી અને સોયાબીન જેવા રોકડિયા પાકો પણ અપનાવ્યા છે, એમ પ્રોજેક્ટ ઈન્ચાર્જ પ્રો. પી.બી.એસ. ભદોરીઆએ જણાવ્યું હતું.
આધુનિક ખેતીની સાથોસાથ ઓર્ગેનિક ખેતીને વેગ આપવા સંશોધકોની ટીમે આ ખેતરમાં જ વર્મીકમ્પોસ્ટ યુનિટની રચના પણ કરી છે. ખેતરમાં ટ્યુબવેલ બનાવ્યો છે, તો વરસાદી પાણીના સંગ્રહમાં ખેતતળાવ બનાવ્યું છે અને મત્સ્ય ઉછેરની પ્રવૃત્તિ પણ શરૂ કરી છે.
આ મોટા ટુકડામાં ફક્ત 20 ગુંઠા જેટલી જમીન ધરાવતો એક ખેડૂત, 48 વર્ષનો જગન્નાથ દાસ કહે છે કે હવે તે ખેતીની નવી નવી વાતો શિખી રહ્યો છે. “અમે તેમને અમારી જમીન એટલા માટે સોંપી દીધી કે આઈઆઈટી જેવી માતબર સંસ્થાના નામ ઉપર અમને વિશ્વાસ છે. અમે હવે ખેતી વિષે નવી નવી વાતો એવી રીતે શિખી રહ્યા છીએ અને અમને લાગે છે કે અમારા ખેતરો હવે શાળાનો એક વર્ગ બની ગયા છે.”
આ હરિયાળી ક્રાંતિ વિષે જાણીને પીડબ્લ્યુસી જેવી મલ્ટીનેશનલ કંપનીમાં સાઉદી અરેબિયામાં જોબ કરતા આઈઆઈટી મદ્રાસના મેટાલર્જીના વિદ્યાર્થી અભિષેક સિંઘાણિયાએ આ હરિયાળી ક્રાંતિમાં જોડાવા માટે પોતાની જોબ છોડી દીધી છે.
તેમના કહેવા મુજબ આપણા ખેડૂતોની દયાજનક સ્થિતિ વિષે જાણ્યા પછી તેમને મદદ કરવા આ પ્રોજેક્ટમાં સામેલ થવાનો મેં નિર્ણય લીધો હતો. આમાં મારી ભૂમિકા ખેડૂતોને નવી ટેકનોલોજી અપનાવવા માટે સમજાવવાની છે. એક વખત પાકની લણણી થઈ જાય, એ પછી તે ખેડૂતોને તેમની ઉપજના સારા ભાવ અપાવવા પણ પ્રયત્નો કરશે, જેથી ખેડૂતોને વચેટીયાઓના શોષણનો ભોગ બનવું પડે નહીં.
ખેડૂતોને તેમની ખેતી તેમજ પાક લીધા પછી તેના વેચાણ માટે દરેક તબક્કે યોગ્ય માર્ગદશર્ન માટે સાચી વ્યક્તિઓની જરૂર હોય છે. મારો પ્રયાસ છે કે આ મોડલ ટકાઉ બને, જેથી આઈઆઈટીની ટીમ સાથેનો સહયોગ પુરો થયા પછી પણ ખેડૂતો બધી કામગીરી પોતાના આપબળે બરાબર સંભાળી શકે.
પ્રોજેક્ટ ઓફિસર અને કૃષિ નિષ્ણાત તનુમોય બેરાના જણાવ્યા મુજબ તેઓ સંસાધનોના મહત્તમ રીતે સંતુલિત ઉપયોગ અને એ રીતે પર્યાવરણ ઉપર ન્યૂનતમ અસર માટે લાંબો સમય સુધી ટકાઉ ગણાય તેવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે.
ડાંગરના વાવેતર માટેની "શ્રી" (સીસ્ટમ ઓફ રાઈસ ઈન્ટેન્સિફિકેશન – SRI) પદ્ધતિમાં પાણીની તથા જંતુનાશકોની જરૂર પરંપરાગત ખેતી કરતાં 30 થી 40 ટકા ઓછી રહે છે અને છતાં ચોખાની ઉપજ વધુ મળે છે. આ પ્રોજેક્ટની સફળતાના પગલે, નજીકના વિસ્તારોમાં વસતા બીજા ખેડૂતો પણ એની નોંધ લઈ રહ્યા છે, ઉત્સાહિત છે અને આ મોડલના પોતાના વિસ્તારમાં પુનરાવર્તન માટે આઈઆઈટીને વિનંતી પણ કરી રહ્યા છે. પ્રો. ભદોરિયાએ જણાવ્યું હતું કે, ટેકનોલોજીનું નિદર્શન ટુંકા ગાળા - એક વર્ષ માટે કરવાના ઈરાદે અને તે રીતે વધુ ગામડાઓને આવરી લેવા માટે તેઓ ઉદ્યોગો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી નાણાંકિય ભંડોળની સહાય મેળવવા પ્રયત્નો કરશે.
“ઉન્નત ભારત અભિયાન” હેઠળ હાલનો પ્રોજેકટ ચાલી રહ્યો છે તે ખેંટીયા ગામે પ્રોજેક્ટ ત્રણ વર્ષ માટે ચાલશે. બીજા તબક્કામાં તેઓ સેન્સર આધારિત સિંચાઈ, સ્પ્રિન્કલર સિંચાઈ, માટીના પરીક્ષણ માટે સોઈલ ટેસ્ટીંગ કિટ્સ વગેરેનો પણ ઉપયોગ કરશે. અને આ પ્રોજેક્ટમાં જે કોઈ પાકનો ઉતાર મળે તેની વહેંચણી તમામ ખેડૂતોની જમીન માલિકાના પ્રમાણ મુજબ પ્રમાણસર રીતે કરાશે.

No comments:

Post a Comment

thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.